ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઉંચા પરિણામ બાદ ધો.૧૦નુ પરિણામ પણ વધારે આવશે તેવી અટકળો સાચી પડી છે.ધો.૧૦નુ નિયમિત વિદ્યાર્થીઓનુ સમગ્ર રાજ્યનુ ૮૨.૫૬ ટકા પરિણામ જાહેર થયુ છે. એ-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ પણ વધ્યા છે.પરિણામની ટકાવારીમાં આવેલા ઉછાળા પાછળના કારણો જણાવતા વડોદરાના શિક્ષક વિપુલ બલદાણીયાએ કહ્યુ હતુ કે, ધો.૧૦ના પેપરમાં હવે એમસીક્યૂ ૩૦ માર્કસના પૂછવામાં આવે છે.સાથે સાથે વિદ્યાર્થીઓને લાંબા પ્રશ્નોમાં જનરલ ઓપ્શન આપવામાં આવી રહ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓને સ્કોર કરવાની તક મળી છે.સાથે સાથે ગણિતમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક અપાઈ રહી છે.જેના કારણે ગણિત વિષય ના ગમતો હોય અથવા તો ગણિતમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત વિષય પસંદ કરતા હોવાથી તેમનુ પરિણામ સુધરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, ધો.૧૨ની જેમ ધો.૧૦માં પણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે ઉદાર નીતિ અપનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યુ છે.શિક્ષકોએ માર્ક કાપવાની જગ્યાએ આપવામાં વધારે રસ દાખવ્યો છે.ૅજેમ કે ગણિતમાં વિદ્યાર્થીઓને માત્ર જવાબના જ નહીં પણ સ્ટેપ્સના પણ માર્ક અપાયા છે.સમાજ શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ માત્ર મુદ્દા લખ્યા હોય પણ વિસ્તારથી સમજાવ્યા ના હોય તો મુદ્દા લખવા માટે પણ શિક્ષકોએ થોડા ઘણા માર્કસ આપ્યા છે.ગુજરાતીમાં ઘણા વિદ્યાર્થીઓના ૯૦ કરતા વધારે માર્કસ છે.શિક્ષકોએ ઉદારતાથી ચકાસણી ના કરી હોય તો આવા વિષયમાં ૯૦ ઉપરાંત માર્કસ લાવવા મુશ્કેલ છે.સ્કૂલોમાં લેવાતી એકમ કસોટીએ પણ વિદ્યાર્થીઓનુ પરિણામ સુધારવામાં ફાળો આપ્યો હોય તેમ લાગે છે.સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો હોવાથી તેનો ફાયદો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પણ મળી રહ્યો છે.