કૃષિ કાયદાના વિરોધનો 10મો દિવસ : સરકાર અને ખેડૂતો વચ્ચે આજે 5મી વખત વાતચીત બપોરે 2 વાગ્યે : 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન.

0
19

કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો શુક્રવારે 9મો દિવસ હતો. સરકાર સાથે શનિવારે (10મા દિવસે) યોજાનારી બેઠક પહેલાં ખેડૂતોએ શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે 8 ડિસેમ્બરે ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ તમામ ટોલ પ્લાઝા પર કબજો કરવાની ચેતવણી પણ આપી.

તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં બાકીના રસ્તાઓને પણ બ્લોક કરશે. આ માહિતી ખેડૂતોની મીટિંગ પછી તેમના નેતા હરવિંદર સિંહ લખવાલે આપી છે. ખેડૂત સંગઠન પહેલાંથી જ કહી ચૂક્યાં છે કે 5 ડિસેમ્બર એટલે કે શનિવારે વડાપ્રધાન મોદીનાં પૂતળાં સળગાવાશે.

170થી વધુ ખેડૂત બીમાર, કોરોના ટેસ્ટ માટે તૈયાર નથી

ટીકરી-કુંડલી બોર્ડર પર આંદોલન કરી રહેલા 170થી ખેડૂતોને તાવ અને ખાંસી છે. અહીં લાગેલા કેમ્પમાં હજારો ખેડૂતો દવા લઈ રહ્યા છે. અપીલ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. ત્રણ ખેડૂતોનાં મોત થઈ ચૂક્યા છે. સમર્થન આપવા પહોંચેલા મહમ ધારાસભ્ય બલરાજ કુંડુ કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણા ભાકિયુના પ્રવક્તા રાકેશ બૈંસે જણાવ્યું હતું કે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે તબિયત ખરાબ થતાંની સાથે ચેકઅપ કરીને દવા લે. જેમને તાવ છે તે કોરોના ટેસ્ટ પણ કરાવે. લગભગ એક હજાર ખેડૂતો દવા લઈ ચૂક્યા છે.

ખેડૂતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

અરજદારે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હી સરહદ પરથી તાત્કાલિક હટાવવાના આદેશ આપવામાં આવે, કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પિટિશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે આ માહિતી આપી છે. જોકે આ અરજી પર સુનાવણીનો દિવસ નક્કી થયો નથી.

કેનેડાના PMના નિવેદનથી વિદેશ મંત્રાલય નારાજ

ખેડૂત આંદોલન માટેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય ખેડૂતો અંગે કેનેડાના નેતાઓના નિવેદન અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, જેને ચલાવી લેવાશે નહીં. આવું જ રહેશે તો બન્ને દેશના સંબંધને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ બોલાવ્યા છે. ટ્રુડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી કહ્યું હતું કે સ્થિતિ ચિંતાજનક છે. તેઓ હંમેશાં શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં રહેશે.

MSPથી ઓછી કિંમતે ખરીદનારને જેલની સજા કરો

ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે યુપી ગેટ પર ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા ખેડૂતોનું ઉત્પાદન એમએસપીથી ઓછી કિંમતે ખરીદનારા લોકોને કેદની સજા કરવાની બંધારણીય જોગવાઈ કરવાની માગ કરી અને કહ્યું હતું કે એમએસપી મુદ્દે કોઈ સમાધાન નહીં થાય.

મમતાએ દેખાવકારો સાથે ફોન પર વાતચીત કરી

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂત આંદોલનકારીઓ સાથે ફોન પર વાતચીત કરી સમર્થન આપ્યું હતું. ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન હરિયાણામાં ખેડૂતોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ આ ત્રણેય કૃષિકાયદાના માધ્યમથી ખેડૂતોના અધિકારો કોર્પોરેટ ગૃહોને વેચી રહ્યો છે.

આંદોલનના સમર્થનમાં પંજાબી લેખકોએ અવૉર્ડ પરત કર્યા

ખેડૂતોના સપોર્ટમાં અવૉર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત્ રહ્યો. લેખક ડો. મોહનજિત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી અવૉર્ડ પરત કરી દીધા છે. ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ અવૉર્ડ પરત કરી દીધો હતો.

કેન્દ્ર સુધારા માટે રાજી, પણ ખેડૂતો નહીં

ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલાં, એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું હતું કે કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલાં આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.

ખેડૂતોએ કહ્યું, મુદ્દો માત્ર MSPનો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત 5 ડિસેમ્બરે થશે.

સરકારે 7 કલાકમાં ખેડૂતોની 7 ચિંતા સાંભળી, માત્ર એક પર વાયદો કર્યો, બાકીના પર વિશ્વાસ અપાવ્યો

ખેડૂતોની ચિંતા સરકારનો જવાબ
MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ તો બંધ નહીં થઈ જાય? MSP યથાવત્ હતી, છે અને રહેશે.
APMC એટલે કે એગ્રિકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી સમાપ્ત તો નહીં થઈ જાય? પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું.
મંડીની બહાર ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈપણ મેળવી લેશે અને એના પર ટેક્સ પણ નહીં લાગે સરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું.
મંડીની બહાર ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે? APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું.
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, એ નાની કોર્ટ છે. ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું.
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે. ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતાં શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ.
વીજળી સુધારા બિલ અને પરાળી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે. સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here