અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં ધોરણ-૧થી ૫માં અભ્યાસ કરતા બાળકોને દર બીજા દિવસે ૨૦૦ મીલીગ્રામ દૂધ આપવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરની આંગણવાડીમાં નોંધાયેલા ૬૨ હજારથી વધુ બાળકોને પણ દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામા આવશે.
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ શહેરની ૨૧૩૫ આંગણવાડીઓમાં ૩થી ૬ વર્ષના નોંધાયેલા ૬૨૨૬૩ બાળકોને રાજય સરકારની દૂધ સંજીવની યોજના હેઠળ દરેક બાળકને અઠવાડીયામા ત્રણ વખત અમૂલનુ ૧૦૦ મીલીગ્રામ દૂધ આપવા અંગે દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ હતી.આ દરખાસ્તમાં શાસકપક્ષે સુધારો કરી મ્યુનિસિપલ કોર્પોરેશન મિલ્ક પ્રોજેકટ અંતર્ગત મ્યુનિ.શાળાઓમાં અભ્યાસ કરતા ૮૭ હજાર બાળકોને દર બીજા દિવસે ૨૦૦ મીલીગ્રામ દૂધ આપવાનો નિર્ણય કરી દરખાસ્ત મંજૂર કરી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ, મ્યુનિ.શાળાના ધોરણ-૧થી ૫માં અભ્યાસ કરતા બાળકોને દૂધ આપવા પાછળ વાર્ષિક રુપિયા ૧૨.૫૦ કરોડનો ખર્ચ થશે.