વડોદરા : કોરોનાની સારવાર માટેના રેમડેસીવીર ઈન્જેક્શનની અછત ન સર્જાય તે માટે 1200 ઈન્જેક્શન હોસ્પિટલને અપાયા

0
0

કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન આશિર્વાદરૂપ મનાય છે. પરંતુ, આ ઇન્જેક્શન દર્દીઓને મળી રહ્યા નથી. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોને જથ્થો આવે ત્યારે પરત કરવાની શરતે આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 1200 જેટલા ઇન્જેક્શન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોને આપવામાં આવ્યા છે.

ઈન્જેક્શન માટે મોં માગ્યા રૂપિયા આપવા પડે છે
વડોદરા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાના દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન આશિર્વાદરૂપ પુરવાર થઇ રહ્યા છે. પરિણામે કોરોનાની સારવાર કરી રહેલી હોસ્પિટલના સત્તાવાળાઓ પોતાની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડના દર્દીઓ પાસે રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવી રહ્યા છે. પરંતુ, વડોદરાના મેડિકલ સ્ટોરોમાં આ ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીના પરિવારજનો ઇન્જેક્શન મેળવવા માટે મોં માંગ્યા નાણાં આપવા પણ તૈયાર થઇ જાય છે. આમ છતાં, ઇન્જેક્શનો મળતા નથી.

300 ઈન્જેક્શનનો જથ્થો મંગાવાયો
વડોદરામાં છેલ્લા કેટલાંક સમયથી રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી હોવાની ફરિયાદ કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલને મળી હતી. જે ફરિયાદોના નિવારણ માટે તેઓએ ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવને રજૂઆત કરી હતી. ડો. રાવે આ ઇન્જેક્શન માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને 300 ઇન્જેક્શનનો જથ્થો મંગાવી લીધો હતો. ઇન્જેક્શનોના કાળા બજાર ન થાય તે માટે જે ખાનગી હોસ્પિટલમાંથી ઇન્જેક્શનની માંગ ઉભી થાય તે હોસ્પિટલને જરૂરી કાર્યવાહી સાથે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે.

ઈન્જેક્શનની અછત ન સર્જાય તે માટે આયોજન
આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં વધારો થયો છે. આ ઇન્જેક્શનના અભાવના કારણે કોઇ દર્દીનું મોત ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેનું સંચાલન કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર કરતી 50 જેટલી હોસ્પિટલોમાં 1200 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં પણ ઇન્જેક્શનની અછત ન વર્તાઇ તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here