ઉત્તર ગુજરાત : 12374 લોકોએ 24.74 લાખ દંડ ભર્યો, પણ માસ્ક તો ના જ પહેર્યો

0
5

મહેસાણા. ઉત્તર ગુજરાતમાં કોરોનાનું લોકલ સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે. આ અમે નહીં પણ સરકારના આંકડા કહી રહ્યા છે. લોકડાઉન-1થી 4ના 68 દિવસમાં 530 લોકો કોરોના સંક્રમિત થયા હતા, જેમાં 26 લોકોએ જિંદગી ગુમાવી દીધી હતી.

છેલ્લા પાંચ દિવસમાં જ માસ્ક પહેર્યા વિના ફરતા 12374 લોકો પકડાયા

તે પછી લોકડાઉનમાં છુટછાટ અપાયાના 21 દિવસમાં વધુ 365 દર્દી નોંધાયા છે અને 39 લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. આરોગ્ય વિભાગની સલાહ છે કે ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યારે માસ્ક અચૂક પહેરો. માસ્ક પહેરવાથી ઘણો ખરો બચાવ થઇ શકે છે. આમ છતાં લોકો બિન્દાસ્ત માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળે છે. જે સમાજના દુશ્મન સમાન છે. ઉત્તર ગુજરાતની પોલીસે છેલ્લા પાંચ દિવસમાં જ માસ્ક પહેર્યા વિના ફરતા 12374 લોકોને પકડી રૂ.200 લેખે રૂ. 24,74,800 જેટલો દંડ વસૂલ્યો છે. જે બતાવે છે કે આપણે કેટલા (અ)સાવચેત છીએ.

આવું પણ બને: 200નું ચલન પકડાવતાં પહેલાં ઉત્પાત મચાવ્યો,પછી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડ્યા ને દંડ ભર્યો

થોડાક દિવસ અગાઉ હિંમતનગર પોલીસ અને પાલિકાની ટીમે અરવલ્લી જિલ્લાના એક શિક્ષણવિદને 5 વર્ષના બાળક સાથે માસ્ક વગર પકડી રૂ.200 ચલન પકડાવતાં ઉત્પાત મચાવ્યો હતો અને પાલિકામાં આવતાંની સાથે જ મહિલાઓએ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડ્યા બાદ રૂ.100 દંડ ભરવા સંમત થતાં બાકીના રૂ.100 પાલિકાકર્મીએ ભર્યા હતા.

ફેંકુબહાનાબાજીમાં પણ પાછા ના પડ્યા

 • સાહેબ આ વખતે જવા દો કાલથી પહેરીશ.
 • માસ્ક ના પૈસા નથી તો દંડના પૈસા ક્યાંથી લાવીએ.
 • માસ્કથી શ્વાસ રુંધાય છે. માસ્ક ભૂલી ગયો છું.
 • કાન દુઃખે છે.
 • ધોવા મૂક્યો છે.
 • ફાટી ગયો છે.
 • હમણાં જ તૂટી ગયો.
 • થોડીવાર પહેલા ઊડી ગયો જમીન પર પડ્યો એટલે લીધો નથી.
 • આજે જ માસ્ક વગર નીકળ્યો છું.
 • ખિસ્સામાં છે.
 • મકાન બાજુમાં જ છે