નોર્વેમાં કોરોના વેક્સિનેશન પછી 13 લોકોનાં મોત, ફાઇઝર કંપની સામે સવાલ ઊભા થયા

0
3

કોરોના વાઈરસને ટક્કર આપવા માટે ઘણા દેશોમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ ગયું છે, પરંતુ આ દરમિયાન ફાઈઝર વેક્સિન સામે હવે ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે તાજેતરમાં જ નોર્વેમાં ફાઈઝર વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે 13 લોકોનાં મોત થયાં છે. નોર્વેમાં નવા વર્ષની ઉજવણીના 4 દિવસ પછીથી કોરોના વાઈરસની વેક્સિન લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં દેશમાં 33 હજાર લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. નોર્વે મેડિસિન એજન્સીના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 29 લોકોમાં કોરોના વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ જોવા મળી છે અને એમાંથી 13 લોકોનાં મોત થયાં છે.

29 લોકોમાં સાઇડ ઇફેક્ટ્સ દેખાઈ હતી

રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકના રિપોર્ટ પ્રમાણે, નોર્વેની મેડિસિન એજન્સીએ કહ્યું છે કે 29 લોકોમાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે. જ્યારે વેક્સિનેશન પછી અત્યારસુધીમાં 23 લોકોનાં મોત પછી એને વેક્સિનેશન સાથે જોડવામાં આવી રહ્યા છે. જોકે એમાંથી અત્યારસુધીમાં 13 દર્દીની જ તપાસ કરવામાં આવી છે. એજન્સીના મેડિકલ ડિરેક્ટર સ્ટેઈનાર મેડસેને દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું છે કે 13માંથી 9 લોકોમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી હતી.

મૃત્યુ પામનારાની ઉંમર 80 વર્ષ કરતાં વધારે

ડિરેક્ટર સ્ટેઈનાર મેડસેને કહ્યું, તપાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોનાં મોત થયાં છે એમાંથી મોટા ભાગના લોકો નર્સિંગ હોમમાં રહેતા હતા અને નબળા અને વૃદ્ધ હતા. મૃતકોની ઉંમર 80 વર્ષ કરતાં વધારે હતી અને એમાંથી અમુકની ઉંમર તો 90 વર્ષ કરતાં પણ વધારે હતી. વેક્સિન પછી અમુક લોકોમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ જોવા મળી હતી. ત્યાર પછી તેમની સ્થિતિ વધારે ગંભીર થઈ હતી અને અંતે, તેમનાં મોત થયાં હતાં.

સાઇડ ઇફેક્ટથી ચિંતિત નથી પ્રશાસન

મેડસેને ભાર દઈને કહ્યું છે કે આવા કેસ ખૂબ દુર્લભ છે અને હજારો લોકોને કોઈપણ સાઈડ ઈફેક્ટ્સ વગર વેક્સિન આપવામાં આવી છે. આમ, જે લોકોનાં મોત થયાં છે એ વિશે એવું માની શકાય કે તેમને હૃદય સંબંધિત કોઈ બીમારી, ડિમેન્સિયા અથવા અન્ય કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રશાસન અત્યારસુધી પુષ્ટિ કરાયેલા સાઈડ ઈફેક્ટ્સના કેસથી ચિંતિત નથી. એ વાત સ્પષ્ટ છે કે અમુક બીમાર લોકો અથવા એલર્જિક લોકોને બાદ કરતાં વેક્સિનનું જોખમ ખૂબ ઓછું છે.

એક-એકની તપાસ કર્યા પછી જ વેક્સિન આપવામાં આવશે

નોર્વેમાં જે 9 દર્દીમાં વેક્સિનની ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી છે એમાં એલર્જિક રિએક્શન, શ્વાસ લેવામાં તકલીફ અને તાવ હતાં. એ સિવાયના બાકી 7 દર્દીમાં જે સાઈડ ઈફેક્ટ્સ દેખાઈ એમાં જે જગ્યાએ ઈન્જેક્શન લીધું ત્યાં ખૂબ જ દુખાવો નોંધાયો હતો. ત્યાર પછી નોર્વેની મેડિસિન એજન્સીએ અધિકારીઓને કહ્યું, વેક્સિન આપતાં પહેલાં વ્યક્તિની પૂરી તપાસ કરવી. તેમને તાવ, શ્વાસ કે હૃદયને લગતી કોઈ બીમારી કે એલર્જીની તકલીફ હોય તો એ પહેલાં ધ્યાનમાં લેવી અને પછી જ વેક્સિન આપવી.