કરજણ: કરજણ નવા બજાર વિસ્તારમાં જલારામ નગરની પાછળ સંતોષ નગરમાં પીવાનું અને ગટરનું પાણી ભેગું થતા 13 જેટલા ઇસમોને ઝાડા ઉલ્ટી થતાં તેઓને સારવાર માટે કરજણ સામૂહિક આરોગ્યમાં સારવાર માટે ખસેડાયા હતા. ધારાસભ્યએ દર્દીઓની ખબર અંતર પૂછી પાલિકાના અધિકારીઓને પાણીના સેમ્પલ લઈને સંતોષ નગરમાં ચોખ્ખું પાણી આપવાની સૂચના આપી હતી. કરજણ નગર પાલિકાના ઉપ પ્રમુખે વહેલીતકે પાણીની સમસ્યા હલ કરાશે એમ જણાવ્યું હતું. જ્યારે જલારામ અને સંતોષ નગરની ગંદકી દૂર કરવા ધારાસભ્યએ સંકલનમાં પણ મુદ્દો રજૂ કર્યો હતો.
કરજણ નવા બજાર વિસ્તારમાં જલારામ નગરની બાજુમાં આવેલ સંતોષ નગર વોર્ડ નંબર-1માં કરજણ નગર પાલિકાના પ્રમુખના વોર્ડમાં પીવાના પાણીની લાઇનમાં ગટરની લાઇન ભેગી થતા સંતોષ નગરમાં ગંદૂ પાણી આવે છે. જેને લઈને આ વિસ્તારના રહીશોને ઝાડા ઉલ્ટી થતાં 13 દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી જઈને દર્દીઓની ખબર અંતર પૂછીને નગર પાલિકાના અધીકારીઓને સંતોષ નગરના પાણીના સેમ્પલ લેવાની અને રહીશોને ચોખ્ખું પાણી આપવાની સૂચના આપી છે.
તેમજ જલારામ નગર અને સંતોષ નગરની ગંદકી દૂર કરવામાં માટે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આગવા જિલ્લા સંકલનમાં પણ આ મુદ્દો રજૂ કર્યો હતો. કરજણ નગર પાલિકાના ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવીને વહેલી તકે પાણીની સમસ્યા હલ કરવાની ખાત્રી આપી હતી.