કોરોના ઈન્ડિયા : 14 દિવસ પહેલા 9.73 લાખ હતા, હવે 9.61 લાખ કેસ : 2 લાખથી વધુ સંક્રમિતો ધરાવતું ઓરિસ્સા દેશનું 8મું રાજ્ય બન્યું, એક્ટિવ કેસમાં ઘટાડો.

0
21

દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા હવે થોડીક રાહત આપી રહ્યા છે. છેલ્લા આઠમાંથી સાત દિવસોમાં નવા સંક્રમિતોમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. શુક્રવારે પણ 85 હજાર 465 સંક્રમિતોની ઓળખ કરવામાં આવી હતી, જ્યારે 93 હજાર 166 સાજા થઈ ગયા હતા. આનાથી એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. 14 દિવસ પહેલા 12 સપ્ટેમ્બરે 9.73 લાખ એક્ટિવ કેસ હતા, જ્યારે 25 સપ્ટેમ્બરે આ 9.61 લાખ થઈ ગયા હતા.

દેશમાં અત્યાર સુધીમાં 59 લાખ 4 હજાર 392 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 48 લાખ 49 હજાર 114 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 93 હજાર 424 દર્દીઓના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • ઓરિસ્સા દેશનું 8મું રાજ્ય છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે. શુક્રવારે અહીંયા 4208 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 1 હજાર 96 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્વિમ બંગાળમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે.
  • ગુરુવારે રેકોર્ડ 14 લાખ 92 હજાર 409 લોકોની તપાસ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગના કારણે આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે 12 લાખ લોકોની તપાસ કરવામાં આવી હતી. 6.89 કરોડ લોકોની તપાસ થઈ ચુકી છે.
  • હવે દર 10 લાખની વસ્તીમાં દર્દીઓ નોંધાવાની સંખ્યા વધી ગઈ છે. હવે આટલી વસ્તીમાં 4210 લોકો સંક્રમિત મળી રહ્યા છે. 20 સપ્ટેમ્બર સુધી 4200 દર્દી નોંધાઈ રહ્યા હતા. આટલી જ વસ્તીમાં મરનારની સંખ્યા પણ 67 થઈ ગઈ છે.
  • PGI ચંદીગઢમાં શુક્રવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન કોવીશિલ્ડનો ટ્રાયલ શરૂ થઈ ગયો છે. અહીંયા વેક્સિનનો ડોઝ લેવા માટે 400 વોલન્ટિયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકો પર કડક વલણ અપનાવવાનું શરૂ થઈ ગયું છે, જેની અસર ભોપાલની જિલ્લા કોર્ટમાં શુક્રવારે જોવા મળી હતી. અહીંયા પોલીસે કેમ્પસમાં માસ્ક ન પહેરનાર પાંચ લોકો પર 500-500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શુક્રવારે એમપી નગર પોલીસે પણ 10 લોકો વિરુદ્ધ માસ્ક ન પહેરવા અંગે કાર્યવાહી કરી હતી.

રાજસ્થાન

શુક્રવારે કોરોનાના સૌથી વધુ 2010 નવા કેસ સામે આવ્યા હતા. 15 દર્દીઓના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 1 લાખ 24 હજાર 730 કેસ નોંધાયા છે, 1 લાખ 4 હજાર 288 સંક્રમિત સાજા થઈ ચુક્યા છે, 1412ના મોત થયા છે. 19 હજાર 30 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી લગભગ 30 લાખ ટેસ્ટિંગ કરવામાં આવી ચુક્યા છે. રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં 30% બેડ કોરોના સંક્રમિતો માટે રિઝર્વ રાખવાનો આદેશ આપ્યો છે.

બિહાર

શુક્રવારે 1632 સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. રાહતની વાત તો એ છે કે રાજ્યમાં શુક્રવારે જ સૌથી વધુ 1810 દર્દી સાજા પણ થયા છે. ત્રણ સંક્રમિતોના મોત પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 75 હજાર 898 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 1 લાખ 61 હજાર 510 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 13 હજાર 506ની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 881 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્ર

શુક્રવારે સંક્રમણના 17 હજાર 794 નવા કેસ નોંધાયા હતા. અહીંયા અત્યાર સુધી 13 લાખ 757 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 416 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 34 હજાર 761 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

શુક્રવારે 4519 કેસ નોંધાયા અને 6075 લોકો સાજા થઈ ગયા હતા. આ સતત આઠમો દિવસ હતો, જ્યારે નવા દર્દીઓથી વધુ લોકો સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 3 લાખ 78 હજાર 533 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 82.86% એટલે કે 3 લાખ 13 હજાર 686 દર્દી સાજા થઈ ચુક્યા છે. 59 હજાર 397 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 5 હજાર 450 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here