બ્રાહ્મણ સમાજના વિરોધ બાદ કન્નડ ફિલ્મ ‘પોગારુ’માંથી 14 સીન હટાવી દેવામાં આવ્યા : મેકર્સે કહ્યું- ફિલ્મ પર કોઈ અસર નહીં થાય.

0
14

બ્રાહ્મણ કમ્યુનિટીના વિરોધ પછી ધ્રુવ સરજા તથા રશ્મિકા મંદાનાની કન્નડ ફિલ્મ ‘પોગારુ’માંથી 14 વિવાદિત સીન હટાવી દેવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, મેકર્સે આ નિર્ણય કર્ણાટક બ્રાહ્મણ વિકાસ બોર્ડ તથા કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સ વચ્ચે થયેલી મિટિંગ બાદ લીધો છે. ફિલ્મ તથા મેકર્સ પર કેટલાંક સીન્સે બ્રાહ્મણ સમાજની ભાવનાને આહત કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

કોરોનાકાળમાં કન્નડ ફિલ્મ રિલીઝ થઈ હતી

19 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં આવેલી ફિલ્મ ‘પોગારુ’ કોરોનાકાળમાં રિલીઝ થયેલી પહેલી બિગ બજેટ ફિલ્મ છે. ફિલ્મ પર બ્રાહ્મણ સમાજને ખોટી રીતે બતાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ફિલ્મના કેટલાંક સંવાદો તથા સીન પર વિરોધ કરીને બ્રાહ્મણ સમાજે સતત આનો વિરોધ કર્યો હતો. હાલમાં જ કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જયરાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેકર્સ ફિલ્મના વિવાદિત સીનને હટાવવા સમંત થઈ ગયા છે.

ફિલ્મમાં કેવા કેવા સીન બતાવવામાં આવ્યા હતા?

ફિલ્મના એક સીનમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાંક ગુંડા હવન કરતાં બ્રાહ્મણો સાથે ગેર વર્તન કરે છે. અન્ય એક સીનમાં ગુંડો બ્રાહ્મણના ખભા પર પગ રાખે છે. વિવાદિત સીન્સ હટાવવાનો નિર્ણય લેતા સમયે ફિલ્મ ડિરેક્ટર નંદકિશોરે માફી માગતા કહ્યું હતું કે તેઓ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવા માગતા નહોતા. તેમણે દર્શકોને આશ્વસાન આપ્યું હતું કે આ સીન્સ હટાવી દીધા બાદ પણ ફિલ્મને અસર થશે નહીં.

બ્રાહ્મણોએ દેખાવો કરવાની ધમકી આપી હતી

બ્રાહ્મણ કમ્યુનિટીના સભ્ય શ્રીકાંતે કહ્યું હતું કે સિનેમામાં કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવા જોઈએ નહીં. તેમની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. તેમણે વિરોધ કર્યો હતો, કારણ કે તેમની લાગણી દુભાઈ હતી. જો આ સીન હટાવવામાં ના આવ્યા હોત તો તેઓ સતત દેખાવો કરવાનું ચાલુ રાખત.

ભાજપે સ્ક્રીનિંગ રોકવાની માગણી કરી હતી
ભાજપ નેતા શોભા કરંદલાજે ફિલ્મનો વિરોધ કરીને સો.મીડિયામાં કહ્યું હતું, ‘હિંદુઓનું અપમાન કરવું તથા અમારી ભાવનાને ઠેસ પહોંચાડવાની ફેશન બની ગઈ છે. શું તેમનામાં બીજા ધર્મને આ રીતે બતાવવાની હિંમત છે. જ્યાં સુધી વિવાદિત સીન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવું જોઈએ નહીં. હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી તે બાબતની અવગણના થઈ શકે નહીં.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here