15 દિવસ બાદ પણ જયંતી ભાનુશાળીની હત્યાનું રહસ્ય અકબંધ, 7 IPSની ટીમ છતાં પરિણામ શૂન્ય

0
43

અમદાવાદઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં એસઆઈટી, ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ એજન્સી નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ તપાસમાં 7 આઈપીએસ અધિકારીઓ, 6 ડીવાયએસપી, 8 પીઆઈ સહિત 2૦૦નો સ્ટાફ તપાસમાં સામેલ છે. આમ છતા તપાસ એજન્સીઓની તપાસ દિશાવિહીન જણાઈ રહીં છે. ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરાઈ હતી.

જુદા-જુદા તુક્કાઓ અને તર્ક લગાવી તપાસને અવળા પાટે ચડાવી

તપાસમાં એજન્સીઓમાં તાલમેલનો અભાવ

જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારે સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરીને તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. પરંતુ વાસ્તવિક સ્થિતિ જોઈએ તો તપાસમાં સામેલ એજન્સીઓમાં કોઈ તાલમેલ જોવા મળતો નથી. આમ તાલમેલ વિના તપાસ કરી રહેલી એજન્સીઓ ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલશે? અત્યાર સુધી તપાસમાં સામેલ એજન્સીઓએ જુદી-જુદી વ્યકિતઓને તપાસમાં બોલાવીને પૂછપરછ કરી હતી.

શાર્પ શૂટરોને લઈ આવવાની માહિતી આપ્યા બાદ પોલીસ પલટી

જેમાં પહેલા પોલીસ અધિકારીઓ નામ નહીં આપવાની શરતે જણાવતા હતા કે, ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જશે. અત્યારે શાર્પ શૂટરોને તપાસમાં લઈ આવ્યા છે, પણ સોપારી આપનારની તપાસ ચાલી રહી હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. પછી તપાસ એજન્સીઓએ બીજી દિશામાં ફંટાવી દીધી હતી અને ભાનુશાળીના ફાર્મમાં ભાગીદારોને તપાસમાં લઈ આવીને દસ કલાક સુધી પૂછપરછ કરી હતી.

તપાસની કડી મળતી નથી કે મેળવતા નથી?

હવે તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓ કંઈપણ બોલવા તૈયાર નથી અને તપાસમાં કંઈ મળતું નથી તો શું કરીએ. બીજી તરફ એક સત્તાધારી પક્ષના કદાવર નેતાની હત્યાને પંદર દિવસ થયા હોવા છતાં તપાસમાં સામેલ અધિકારીઓ અને સ્ટાફને કોઈ કડી મળતી નથી કે મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવતો નથી. બીજી તરફ ભાનુશાળીના ભત્રીજાને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી હતી. જેમાં એસઆઈટીએ ભાનુશાળીના ભત્રીજાને સુરક્ષા આપીને સંતોષ માની લીધો છે. ખરેખર જે નંબરથી ધમકી આપવામાં આવી હતી તે નંબર મેળવીને તપાસ કરવી જોઈતી હતી.

શાર્પ શૂટરોની તપાસ માટે મહારાષ્ટ્ર અને MP ગયા પણ મળ્યા નહીં

આમ તપાસમાં સામેલ એજન્સીઓ જુદા-જુદા તુક્કાઓ લગાવી તપાસને અવળા પાટે લઈ જઈ રહી હોય તેમ લાગે છે. એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓ હત્યા કેસમાં જશ લેવા માટે એસઆઈટીના અધિકારીઓને અલગ રાખી રહ્યાનું માની રહ્યા છે. એટીએસની ટીમો એમપી અને મહારાષ્ટ્રમાં શાર્પ શૂટરોની તપાસ માટે ગઈ હતી,પરંતુ તેઓ મળ્યા નહોતા પરંતુ તેમની કરમ કુંડળી લઈ આવ્યા હોવાનું જાણવા મળે છે. ભાનુશાળીની હત્યાનો કેસ ઉકેલાશે કે કાળની ગર્તામાં દફન થઈ જશે એ તો સમય જ બતાવશે. હજુ પણ તપાસ એજન્સીઓ ભાનુશાળી હત્યામાં મગનું નામ મરી પાડતી નથી.

છબીલ પટેલ-મનિષા સહિત પાંચ સામે ફરિયાદ, પણ તપાસ નહીં

ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલદાસ નારણદાસ પટેલ(મકાણી), સિદ્ધાર્થ છબીલ પટેલ, સુરજીત ભાઉ,જયંતી જેઠાલાલ ઠક્કર, પત્રકાર ઉમેશ પરમાર અને મનિષા ગોસ્વામી સામે ફરિયાદ નોંધી હતી. આમ છતાં પોલીસે કોઈ આરોપીની પૂછપરછ કરી છે કે નહીં અને જો કરી હોય તો તેમાંથી કઈ કઈ વિગતો જાણવા મળી છે તે અંગે પણ કંઈ કહેવામાં આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here