સુરત : મ્યુનિ.માં 15 કરોડનું ખિચડી-કઢી કૌભાંડ : લોકડાઉનમાં લોકોને જમાડવાની વાહ-વાહી લેનારી NGOએ બારોબાર બિલ પાસ કરાવી લીધા

0
13

કોરોના સંક્રમણ થતાં જ અચાનક આવી પડેલા લોકડાઉનમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી. તેવા સમયે શ્રમિકો અને ગરીબોને જમાડવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. લગભગ 500 જટેલી સેવાભાવી સંસ્થાઓએ લોકડાઉન દરમિયાન ગરીબોના પેટનો ખાડો બે ટંક ખિચડી કઢી સહતિનું ખવડાવી પુર્યો હતો. લગભગ 3 કરોડથી વધુ લોકોને જમાડવામાં આવ્યાં હતાં. NGO દ્વારા થયેલી આ સેવાની સર્વત્ર સરાહના થઈ હતી. જો કે હકીકત કંઈક જુદી જ RTIમાં સામે આવી છે. સેવા કરનારી આ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાના બિલ પાલિકામાં મુકીને પાસ કરાવી લીધાનું સામે આવ્યું છે. સેવાના નામે મેવા ખાનારી સંસ્થાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેની સામે પાલિકાના મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું છે કે, કોઈપણ ગેરરીતિ થઈ હશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે.

લોકડાઉનના ભોજનનો અનલોકમાં બિલ ચૂકવણીથી વિવાદ

લોકડાઉન દરમિયાન લાખો લોકોને જમવાનું ભગીરથ કાર્ય સુરતમાંથી થતું હતું. તમામ સંસ્થાઓ તેના માટે કાર્ય કરતી હતી. જો કે, અનલોકમાં આ સંસ્થાઓએ બિલ પાલિકામાં મુકતા નવો વિવાદ થયો છે. કોંગ્રેસના કાર્યકર કલ્પેશ બારોટે લોકડાઉન દરમિયાન ભોજનમાં થયેલા ખર્ચ અંગે માહિતી માગી તેમાં પાલિકાએ ભોજન માટે અક્ષયપાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યાની માહિતી આપી છે. આ સાથે અન્ય સંસ્થાઓને પણ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. ઉધના ઝોનની વિગતો ન આપવામાં આવી હોવાથી તેમાં વધુ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ બારોટે લગાવતા કહ્યું કે,જશ ખાટનારી સંસ્થા પાલિકાનું ફંડ લૂંટી ગયા કે પછી ચૂંટણી આડે થોડો સમય બચ્યો હોય આફતને અવસરમાં પલટવામાં આવી હોય અને કૌભાંડ આચરાયું હોય તેવું પણ લાગી રહ્યું છે.

કોને કેટલા રૂપિયા ચૂકવાયા ચૂકવાયા

પાલિકાએ RTIના જવાબમાં લખ્યું છે કે, અક્ષયપાત્ર ફાઉન્ડેશનને 29 લાખ,વિશાલ કેટર્સને 5.07લાખ જનકકુમાર ડી. પટેલ 1.44 કરોડ, વારી એન્ટરપ્રાઈઝને 33.81 લાખ, હરીઓમ ફાસ્ટફૂડને 7.20 લાખ, આર.ઝેડ એન્ડ કે.કેને 77.69 લાખ, ગણેશ કેટરીનને 23.65 લાખ અને જયશ્રીબેન ત્રિવેદીને 31.84 લાખ ચૂકવ્યાં છે.

તપાસ કરી કાર્યવાહી કરાશેઃ મેયર

લોક ડાઉન દરમિયાન શ્રમિકોને આપવામા આવતાં ભોજનમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ અંગે મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યુ હતું કે, લોકડાઉનના સમયે લાખો લોકોને ભોજન આપવાની જરૂરિયાત થઈ હતી.પાલિકા તંત્રએ સામાજિક સંસ્થા અને અન્ય સાથે મળીને કોઈ ભુખ્યુ ન સૂવે તેની દરકાર રાખી હતી. આ મુદ્દે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ થઇ છે. જો કોઇ ક્ષતિ દેખાશે તો તપાસ કરાશે. ભ્રષ્ટાચારનો આક્ષેપ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જો કોઈ પુરાવા મળે તો જવાબદાર સામે કાર્યવાહી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here