અમેરિકા આજથી ચીનની 112 અબજ ડોલરની વસ્તુઓ પર 15 ટકા વધુ ડયુટી ઝીંકશે

0
0

અગાઉ કરેલી જાહેરાત મુજબ આવતીકાલથી ચીનની વસ્તુઓ પર અમેરિકાની આયાત ડયુટી વધી જશે. આ નિર્ણયને કારણે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનશે. આવતીકાલથી અમેરિકા ચીનની ૧૧૨ અબજ ડોલરની વસ્તુઓ પર ૧૫ ટકા ડયુટી વધારશે.

ચીનની ૧૧૨ અબજ ડોલરની વસ્તુઓમાં કરિયાણા અને રોજબરોજના વપરાશમાં વપરાતી વસ્તુઓ પણ સામેલ છે. જેપી મોર્ગનના મત અનુસાર અમેરિકાના આ નિર્ણયને કારણે એક સામાન્ય અમેરિકનના વાર્ષિક ખર્ચમાં ૧૦૦૦ ડોલરનો વધારો થશે.

જોકે, અમેરિકાએ અગાઉ એક સપ્ટેમ્બરથી ચીનની ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારવાની જાહેરાત કરી હતી. જો તે પૈકી અમુક વસ્તુઓ પરની ડયુટી વધારવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે અને પ્રથમ તબક્કામાં ૧૧૨ અબજ ડોલરની વસ્તુઓ પર ૧૫ ટકા ડયુટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના ૧૬૦થી વધુ ઔદ્યોગિક જૂથોએ ચીનની વસ્તુઓ પર વધુ એક વખત આયાત ડયુટી ઝીંકવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. અમેરિકાની ૩૦ ટકા કંપનીઓ નિરાશાજનક રહેલા બીજા કવાર્ટર માટે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાની ફક્ત નબળી કંપનીઓ જ ફરિયાદ કરી રહી છે કે વેપાર યુદ્ધના કારણે તેમના નફામાં ઘટાડો થયો છે. અમેરિકાની શૂઝ બનાવતી કંપનીઓ પણ ડયુટી વધારવાના ટ્રમ્પના નિર્ણયથી નારાજ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે જો ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરશે તો અમેરિકાના શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળશે. ચીનની વસ્તુઓ પર ડયુટી નાખવાના નિર્ણયનો વિરોધ એવી જ કંપનીઓ કરી રહી છે જે કંપનીઓ નબળી છે અને તેમનું મેનેજમેન્ટ સક્ષમ નથી.

જોકે, ચીને પોતાનું વલણ બદલતા જણાવ્યું છે કે અમે તાત્કાલિક અમેરિકાના નિર્ણયનો જવાબ આપીશંર નહીં. અમે અમેરિકા સાથે મંત્રણા સાથે વેપાર યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયત્નો કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here