કોરોના વાઈરસ : વડોદરા : શહેર-જિલ્લાના 156 લોકો નિઝામુદ્દીન દરગાહે ગયા હતા, મરકજમાં હાજરી નહીં, ક્વોરન્ટીન કરાયા

0
8
  • દિલ્હીના નિઝામુદ્દીન ગયેલા લોકોએ શહેરનું ટેન્શન વધાર્યુ, તાંદલજાના 21 વર્ષના યુવાનના સેમ્પલ મોકલાયા 
  • રાત્રે મેસેજ મળતાં જ 11.30 વાગ્યાથી તમામને શોધવા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ નીકળી પડી
  • નિઝામુદ્દીન ખાતે જમાતના કાર્યક્રમની આસપાસ 500 મીટર સુધી રહેલા 150 લોકોનું મેડિકલ ચેકિંગ કરાયું
  • આરોગ્ય વિભાગને મળેલી યાદીમાં શહેર જિલ્લાના 74 લોકોની હાજરી પણ મળી 

વડોદરા. દિલ્હીના નિઝામુદ્દીન ખાતેથી પરત ફરેલા વડોદરાના શહેરના 124 અને જિલ્લાના 48ને ક્વોરન્ટીન કર્યા છે. બાકીનાઓની શોધખોળ ચાલી રહી છે. વડોદરાના તાંદળજા વિસ્તારનો અલિ નામનો 21 વર્ષનો એક યુવાન નિઝામુદ્દીનથી આવ્યો હતો અને તેની તબિયત કથળતા તેના નમૂના લેવામાં આવ્યાં છે. આ યુવાનને શરદી-ખાંસી અને સતત તાવ રહેતો હોવાના પગલે તેને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલના તબીબોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના નમૂના સયાજી હોસ્પિટલ ખાતેની કોરોના લેબમાં મોકલવામાં આવ્યાં છે. હાલમાં આ યુવાનને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

156ને ક્વોરન્ટીન કર્યાં

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવટે જણાવ્યું કે, ‘મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી તુરંત જ પોલીસવિભાગના સહયોગથી આરોગ્યતંત્ર દ્વારા તેમને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી અમે 156ને તાબડતોબ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યાં છે.’ આ પૈકીના 17ને સરકારી ક્વોરન્ટીનમાં મૂકવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ તમામ દિલ્હીના નિઝામુદ્દીન ગયા હતા અને ત્યાં સંત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ ખાતે ગયા હતા પણ તબલીગી મરકજમાં કોઇએ હાજરી આપી ન હતી. જિલ્લા કલેક્ટર દ્વારા સંકલન કરીને આ તમામને ઓળખીને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે તેમને ક્વોરેન્ટાઇન કરાયા હતા.

આરોગ્ય વિભાગ તરફથી 249 લોકોની યાદી મોકલાઇ હતી 

દિલ્હીના નિઝામુદ્દીનથી પરત ફરેલા તમામને તેમના ઘરના તમામ સભ્યો સાથે જ હોમ ક્વોરન્ટાઇન તો કરાયા છે. મૂળે આ યાદીમાં 249 નામો  હતા અને આ નામોમાં ઘણાખરા નામો રીપિટ થતાં હોવાથી તેની ખરાઇ બે દિવસથી ચાલી રહી હોવાનું ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. આ તમામ લોકોના ઘરો સહિતના 500 મીટરની ત્રિજ્યાના વિસ્તારને ક્વોરન્ટાઇન કરવા કે નહીં તેનો નિર્ણય હજી લેવાયો નથી.

પરત ફરેલા તમામની તપાસ કરીને કેટેગરી તૈયાર કરાશે 

નિઝામુદ્દીનથી પરત ફરેલા તમામને હાલ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, પણ તમામની આરોગ્ય વિભાગ તપાસ કરશે. ત્યારબાદ તેમને થયેલી સમસ્યાના આધારે પ્રિલિમનરી, હાઇરિસ્ક કે મિડિયમ રિસ્ક જેવી કેટેગરીઓ તૈયાર કરી સારવારની વ્યૂહરચના નક્કી થશે.

મોબાઈલ લોકેશનના આધારે ભાળ મળી

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમના સ્થળની આસપાસ 500 મીટરના વિસ્તારમાં વડોદરા શહેરના 150 લોકોની હાજરી હોવાનું ધ્યાનમાં આવતાં હડકંપ મચી ગયો હતો. આરોગ્ય વિભાગને પણ મોબાઇલ લોકેશનના આધારે યાદી મળી હતી, જેમાં શહેર જીલ્લાના 74 લોકોનો સમાવેશ થાય છે.

પોલીસે લોકેશનને આધારે તપાસ કરી

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા દિલ્હીના નિઝામુદીન ખાતેના તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા લોકોની તપાસ શરુ કરાઇ હતી. પોલીસ કમિશનર અનુપમસિંગ ગહેલૌતે જણાવ્યું હતું કે નિઝામુદ્દીનના જમાતના કાર્યક્રમ દરમિયાન શહેરના 150 લોકો આ વિસ્તારમાં હાજર હોવાથી તમામની માહિતી મેળવાઇ હતી, મોડી સાંજથી તમામ લોકોની મેડીકલ ચકાસણી અત્યારે શરુ કરાઇ છે. આ લોકો કાર્યક્રમમાં ગયા ન હતા પરંતુ તેની આસપાસના વિસ્તારમાં હતા. જમાતના કાર્યક્રમ દરમિયાન 14, 15 અને 16 માર્ચ સુધી આ કાર્યક્રમના 500 મીટરના વિસ્તારમાં કેટલા લોકો હાજર હતા તેની મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરાઇ હતી, જેમાં વડોદરા શહેર જિલ્લાના 74 વ્યક્તિઓ આ ત્રણેય દિવસ દરમિયાન હાજર હતી. સુરતના બે યુવકો નિઝામુદ્દીન ગયા હતા. ત્યાંથી બંને શહેરના અટલાદરા વિસ્તારમાં આવતાં બંનેને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા.

શહેરમાંથી કરોલબાગમાં 69 લોકોની બારાત ગઈ હતી

નિઝામુદ્દીન કાર્યક્રમની આસપાસ વડોદરાના જે 150 લોકોની હાજરી જણાઇ હતી, તેમાં એક બારાતનો પણ સમાવેશ થાય છે. પોલીસે તપાસ કરતાં શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાંથી એક બારાત ગત 18 માર્ચે દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં ટ્રેન દ્વારા ગઇ હતી અને બારાત 20 તારીખે શહેરમાં પરત ફરી હતી. બારાતમાં ગયેલા તમામ લોકોની પણ મેડિકલ ચકાસણી શરુ કરાઇ છે અને તમામને હોમ ક્વોરન્ટાઇન રહેવા સુચના આપવામાં આવી હતી.

છાણીની કન્યાશાળામાં વાસદ પોલીસ 34 મજૂરોને મૂકી ગઇ

મંગળવારે મોડી રાતે વાસદ પોલીસ હાઇવે પરથી 34 શ્રમજીવીઓને વડોદરા લઇને આવતા તમામને છાણી ગામની કન્યાશાળામાં સ્થળાંતરિત કરાયા હતા. શહેર જિલ્લામાં કોરોના સંદર્ભે ઉભી થયેલી પરિસ્થિતિમાં શ્રમિકો અને જરૂરિયાતમંદોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પ્રશાસન તરફથી કરાઈ  છે.શહેરમાં નવ તેમજ જિલ્લામાં37 સહિત કુલ 46 આશ્રયસ્થાનો નક્કી કરાયા છે. પાલિકા સંચાલિત રેનબસેરામાં પણ ઘરવિહોણા લોકોને સ્થળાંતરિત કરાયા છે.આ સંજોગોમાં, હાઇવે પર હિજરત કરીને નીકળતા શ્રમજીવીઓ સહિતના લોકોને સયાજીપુરા સ્થિત પાલિકાના આવાસોમાં ખસેડાયા હતા અને ત્યાં હોબાળો થતાં વિવાદ સર્જાયો હતો.જેથી પાલિકાના સત્તાધીશોએ અગમચેતીરૂપે નગર પ્રા.શિ. સમિતિ સંચાલિત શાળાઓ -સરકાર સંચાલિત ગર્લ્સ હોસ્ટેલને પણ તૈયાર રખાવી છે.વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વીમીંગપુલ પાછળની આર્ય ભટ્ટ પ્રા. શાળામાં 100,આજવા રોડ એકતાનગર સ્થિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રા.શાળામાં 50,તરસાલી શરદનગરની વીર નર્મદ પ્રા.શાળામાં 65, છાણી ગામ કન્યા શાળામાં 34 હિજરતીઓને રખાયા છે.

અનાજનો પુરતો જથ્થો ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અંબાલા ગામમાં સરકારી રાસનની દુકાનમાં પૂરતો અનાજનો જથ્થો ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાની જાણ થતાં કાલોલ મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને અનાજનો પુરવઠો લઇને વાહન પણ દોડી ગયું હતું. ત્યારબાદ અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

29 લોકોનું લિસ્ટ શોર્ટ આઉટ કરાયું

દિલ્હીના તબ્લિક જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ભારત સહિત 15 દેશના અંદાજે 1700 લોકો ભેગા થયાં હતાં. જેમાંથી 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9 લોકોના મોત થઈ ગયા છે. વડોદરા શહેર અને જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ માટે 74 લોકો ગયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે ત્યારબાદ 29 લોકોની ઓળખ કરીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ લોકોમાંથી કેટલા લોકો દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયા તેની કોઇ જાણકારી મળી નથી.

દિલ્હીના ધાર્મિક મેળાવડા મરકઝમાં વડોદરા શહેર-જિલ્લામાંથી કોઇએ ભાગ લીધો નથી

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડૉ. દેવેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે યાદી આપવામાં આવી હતી. તેમાં વડોદરા શહેર-જિલ્લાના 249 લોકો દર્શાવવામાં આવ્યા હતા જે પૈકી 77 નામો ડુપ્લીકેટ જણાયા હતા. આમ, યાદીમાં વડોદરા શહેરના 124 અને જિલ્લાના 48 નામોનો સમાવેશ થતો હતો. આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત યાદીમાંથી શહેરના 124માંથી 114 અને જિલ્લાના 48માંથી 42 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. આમ, 156 લોકોનો પત્તો મળી ગયો છે. જોકે આ પૈકી કોઇએ મરકઝના ધાર્મિક મેળવડામાં ભાગ લીધો નથી, પરંતુ તે પૈકીના કેટલાકે હજરત નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લીધી છે. આ હજરત નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેનારા વડોદરા શહેરના 3 અને જિલ્લાના 14 લોકોને સરકારી ક્વોરન્ટીન અને બાકીના તમામ 139ને તકેદારીના પગલારૂપે હોમ ક્વોરન્ટીન હેઠળ મૂકવામાં આવ્યા છે.

વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર પડાપડી થઇ

લોકડાઉનને પગલે રાજ્યભરમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેથી આજે સવારથી જ વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનો ઉપર ભીડ લાગી ગઇ હતી. વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર લોકોએ પડાપડી કરી હતી અને પોલીસે લોકોને હટાવવાની ફરજ પડી હતી. બીજી તરફ પીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને પુરવઠાની કચેરી પર પહોંચેલા રાજ્યના મંત્રી યોગેશ પટેલનો ઘેરાવ કરીને અનાજ આપવા માટે રજૂઆત કરી હતી. આ સમયે મહિલાઓ રડી પડી હતી. વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ અનાજ લેવા માટે લોકની ભીડ જોવા મળી રહી છે.

લોકોએ સવારે 6 વાગ્યાથી જ રાશનની દુકાનની બહાર લાઇનો લગાવી હતી 

વડોદરા શહેરના હુજરાત પાગા ખાતે લોકોએ સવારે 6 વાગ્યાથી જ રાશનની દુકાનની બહાર લાઇનો લગાવી હતી. જોકે અનાજ આપતા ન હોવાથી લોકો 7 વાગ્યે ફરીથી આવ્યા હતા. અને ત્યારે પણ અનાજ ન મળતા લોકોએ ફરીથી 8 વાગ્યે લાઇનો લગાવી હતી. આ સમયે એપીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકો કોઠી સ્થિત પુરવઠાની ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં હાજર રાજ્યના મંત્રી યોગેશ પટેલ સમક્ષ મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here