પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના ગિધાગ્રામ ગામમાં સદીઓથી ચાલતા ભેદભાવનો અંત આવ્યો છે. કોલકાતાથી 150 કિમીના અંતરે આવેલા આ ગામના ગિધેશ્વર મંદિરમાં દલિતોના એક સમૂહે પ્રવેશ કરી પૂજા કરી હતી. આ પૂજા સાથે જ ત્યાં સદીઓથી દલિતોના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ દૂર થવાની અપેક્ષા વધી છે. જે જાતિય અસમાનતાનો અંત લાવશે.
પૂર્વ બર્ધમાન જિલ્લાના ગિધાગ્રામ ગામમાં રહેતા દલિત લોકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ઘણી વખત તેઓ મંદિર સમિતિ પર ભેદભાવનો આરોપ પણ લગાવી ચૂક્યા છે. દરમિયાન તેમણે બુધવારે મંદિરના 16 પગથિયાં ચડી પૂજા કરી હતી. મંદિરમાં પ્રવેશનારી પૂજા દાસે કહ્યું કે તે પણ મંદિરમાં પ્રવેશનારા પાંચ દલિતો સાથે સામેલ હતી. તેમને આશા છે કે ગામના દલિતો હવે મંદિરમાં પૂજા કરી શકશે.
દલિત વર્ગની પૂજા દાસે જણાવ્યું હતું કે, ‘અમારા પૂર્વજોને ક્યારેય પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ હવે અમે શિક્ષિત છીએ અને સમય બદલાઈ ગયો છે, તેથી અમે પોલીસ અને વહીવટીતંત્રને અપીલ કરી હતી. અંતે અમે અમારા અધિકાર મેળવવામાં સફળ થયા. અમે મંદિરમાં પ્રવેશવા અને પૂજા કરવા માટે 16 પગથિયાં ચઢ્યા અને પેઢીઓથી ચાલતા ભેદભાવનો અંત લાવ્યા.’ ગામના અન્ય એક દલિત રહેવાસી લાખીએ જણાવ્યું હતું કે, તેણે પહેલીવાર ગામના મંદિરમાં ભગવાનની મૂર્તિ પોતાની આંખે જોઈ.
સ્થાનિક દલિતોના જણાવ્યા અનુસાર, તેઓ દાયકાઓથી મંદિરમાં પ્રવેશના તેમના અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે. ગયા મહિને, મહાશિવરાત્રિ પહેલાં, તેમણે જિલ્લા વહીવટીતંત્ર, બ્લોક વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસને પત્ર લખીને દલિતોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવા માટે તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી. જો કે, તેમની વિનંતીઓ છતાં, તેમને તહેવાર દરમિયાન મંદિરની બહાર રાખવામાં આવ્યા હતા. બાદમાં 28 ફેબ્રુઆરી 2025ના રોજ, ઉપ-વિભાગીય અધિકારીએ દાસપરાના રહેવાસીઓ, મંદિર સમિતિ, સ્થાનિક ધારાસભ્ય, TMCના અપૂર્વ ચૌધરી અને BDOની એક બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં જણાવાયું હતું કે, ‘બંધારણમાં આવા ભેદભાવ પર પ્રતિબંધ છે. દરેકને પૂજા કરવાનો અધિકાર છે. કટવા 1 બ્લોક હેઠળના ગિધાગ્રામ ખાતેના ગીધેશ્વર શિવ મંદિરમાં દાસ પરિવારોને પ્રવેશ આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘આ પ્રસ્તાવને 11 માર્ચે મળેલી બેઠક બાદ જ લાગુ કરી શકાશે. કટવાના એસડીઓ અહિંસા જૈને જણાવ્યું હતું કે, આવા ભેદભાવને મંજૂરી આપી શકાય નહીં. અમે તેને ધ્યાનમાં લેતાં ઘણી બેઠકો યોજી હતી. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને આખરે તેમના પ્રવેશની ખાતરી આપવામાં આવી હતી.’