‘17 લાખ લેબરનું ઘર વેપારીઓ ચલાવે છે, દેશના ચોકીદાર તપાસે કરાવે ચોર કોણ?’

0
81

સુરતઃ જોબવર્ક માટે જતાં ગ્રે કાપડને ઇ-વે બિલમાંથી મુક્તિ છતાં દંડ ફટકારે છે. તે રજૂઆત લઇ સોમવારે સીજીએસટી જોઇન્ટ કમિશનરને મળવા ગયેલા ઉદ્યોગકારોને ‘સુરત કે સારે વેપારી ચોર હૈ’ કહેનારા અધિકારી સામે દિવસભર વેપારીઓએ રોષ ઓક્યો છે. 17 લાખ લેબરનું ઘર ટેક્સટાઇલ વેપારીઓ ચલાવે છે, દેશના ચોકીદાર બુધવારે સુરત આવી રહ્યા છે ત્યારે તે જ તપાસ કરાવે કે ચોર કોણ છે તેવો વેપારીઓએ રોષ પ્રગટ કર્યો છે.
ઇ-વે બિલની મૂંઝવણ જીએસટીના અમલની સાથે જ શરૂ થઇ ચૂકી છે.

યાર્નના ખાલી બીમને પણ અધિકારીઓ પકડીને ઇ-વે બિલ માંગે છે

ઇ-વે બિલની આંટીઘૂટીથી ટેક્સટાઇલના ટ્રેડર્સ અને વીવર્સ હેરાન કરે છે

ઇ-વે બિલની પ્રેક્ટિકલ સમસ્યા સમજવા 18-1-18ના રોજ સુરત આવેલા એસજીએસટી કમિશનર પી. ડી. વાઘેલાનું વીવર્સ સોસાયટીઓ દ્વારા ધ્યાન દોરી, ઇ-વે બિલની મુક્તિ મર્યાદા 50 કિમી કરવા માંગ કરી હતી. ત્યારથી લઇને આજદિન સુધી ઇ-વે બિલની આંટીઘૂટીથી ટેક્સટાઇલના ટ્રેડર્સ અને વીવર્સ હેરાન છે. અધિકારી કક્ષાએથી કોઇ નિરાકરણ લાવવાની જગ્યાએ સુરતના વેપારીઓને ચોર કહી દેવાયા છે. સીજીએસટી જોઇન્ટ કમિશનરના આકરા શબ્દોથી નારાજ વેપારી આલામ વતી બુધવારે ફોગવા સાંસદ પાટીલને લેખિતમાં ફરિયાદ કરી પગલાં લેવા રજૂઆત કરશે.

ખાલી બોબીન, બીમ અને યાર્નના બોક્સને પકડે છે

છેલ્લાં 1 માસમાં વેપારી-વીવર્સ વર્ગની ફરિયાદ મુજબ અધિકારીઓ યાર્ન ભરવાના ખાલી બીમ, બોબીન તથા જોબવર્ક માટે જતાં યાર્નના બોક્સને પકડે છે. આ અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે. સાથે વેપારીઓ કે વીવર્સ ઘટના સ્થળે જ દંડ ભરી દે છે. છતાં ખોટી રીતે માલ અટકાવી તેને 24 કલાક પછી છોડવા સૂચન કરે છે. જ્યારે અધિકારીઓને જાણ કરાઇ તો તેઓ કહે છે કે આવી ઘટના બને ત્યારે જ અમને જણાવો.

જીએસટી ઓફિસના પાર્કિગમાં જ સેટલમેન્ટ થાય છે

ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ ટ્રેડર્સના આગેવાન અને જીએસટીના વિરોધમાં લડત ચલાવનાર તારાચંદ કાસાટે જ્ણાવ્યું છે કે, 17 લાખ કારીગરોના ઘર ટેક્સટાઇલ પર ચાલે છે. વેપારીઓને ચોર કહેવાય છે ત્યારે જીએસટી ઓફિસના પાર્કિગમાં જ આ અધિકારીઓ સેટલમેન્ટ કરે છે. દેશના ચોકીદાર આજે સુરત આવી રહ્યા છે. તેમણે તપાસ કરાવવી જોઇએ ત્યારે ખબર પડશે ખરા ચોર કોણ છે.અમને વડાપ્રધાનને મળવા નથી દેવાતા નહીતર સુરતના વેપારીઓને ચોર કહેનારા અધિકારીની ફરિયાદ કરવા તૈયાર છીએ.

વેપારીઓને ચોરની ઉપમા આપવામાં આવી

650 કરોડથી વધુની ક્રેડિટ છોડી ઇ-વે બિલનું નિરાકરણ માંગી રહ્યા છીએ. ત્યારે અધિકારીઓ દ્વારા વેપારીઓને ચોરની ઉપમા આપવામાં આવી છે. તેને વખોળતો પત્ર અમે આજે સાંસદ સી.આર.પાટીલને આપી, અધિકારી સામે કાર્યવાહી હાથ ધરવાની માંગ કરીશું.  અશોક જીરાવાલા, પ્રમુખ, ફોગવા

ઇન્સ્પેક્ટર રાજનો ભય સાચો પડ્યો

ઇ-વે બિલના અમલમાં આવવાથી ઇન્સ્પેક્ટર રાજનો ભય શરૂ થશે તે અમે અગાઉથી જ અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રે કાપડને ઇ-વે બિલમાં મુક્તિ છે છતાં ખોટી રીતે વેપારીઓને હેરાન કરવામાં આવે છે.  મયુર ગોળવાળા, ફોગવાના કારોબારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here