કોરોના ઈન્ડિયા : 6.05 લાખ કેસ : છેલ્લા 24 કલાકમાં 19,248 દર્દી વધ્યા, મિઝોરમ અને સિક્કીમમાં સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી

0
11

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખ 05 હજાર 216 થઈ ગઈ છે. બુધવારે 19248 કેસ સામે આવ્યા હતા. સાથે જ 12057 દર્દી સાજા થઈ ગયા હતા. આ આંકડા covid19india.orgના જણાવ્યા પ્રમાણે છે. તો બીજી બાજુ મિઝોરમ અને સિક્કીમ બે રાજ્ય એવા છે, જેમાં એક પણ કેસ નથી આવ્યો. સિક્કીમમાં સતત ત્રણ દિવસથી કોઈ નવો કેસ નથી આવ્યો.

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે બુધવારે ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ હતી. જો કે, હાલ માત્ર ઉત્તરાખંડના રહેવાસી લોકોને જ ચારધામની યાત્રાની મંજૂરી છે. પહેલા દિવસ 422 શ્રદ્ધાળુઓને ઈ-પાસ આપવામાં આવ્યા હતા.

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ રાજ્યમાં આજથી કિલ કોરોના અભિયાનની શરૂઆત કરાઈ છે. જેના હેઠળ ઘરે ઘરે જઈને સેમ્પલ લેવાશે. આ અભિયાન 15 દિવસ ચલાવાશે. તો બીજી બાજુ રાજધાનીમાં 58 કેસ સામે આવ્યા છે. જૂના શહેરના ઈબ્રાહિમગંજમાં 12 પોઝિટિવ દર્દી મળ્યા. જેમાં એક જ પરિવારના 6 સભ્ય સામેલ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યના ઔરંગાબાદ જીલ્લામાં બુધવારે સંક્રમણના 192 કેસ સામે આવ્યા હતા. જેની સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 5757 પર પહોંચી ગઈ છે.આ સાથે જ મુંબઈમાં 350 લોકલ ટ્રેન શરૂ કરાઈ છે. જો કે, આ ટ્રેનમાં માત્ર સરકારી કર્મચારીઓને જ સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશઃ આઝમગઢ જિલ્લામાં બુધવારે આઠ સંક્રમિત મળ્યા હતા. જેમાંથી 7 લોકો મુંબઈ, દિલ્હી અને નોઈડાથી આવ્યા છે. એક સંક્રમિત ડોક્ટર છે. આ સાથે જ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 242 થઈ ગઈ છે. તો બીજી બાજુ બસ્તી, સંત કબીર નગર અને સિદ્ધાર્થનગર જીલ્લામાં 836 વ્યક્તિ સંક્રમિત થયા છે. જેમાંથી 656 વ્યક્તિ સારવારથી સાજા થયા છે.