1983 વર્લ્ડ કપ જીતના 37 વર્ષ : મદન લાલે કહ્યું, મુશ્કેલીઓ સામે લડીને મેળવેલી જીત ઇતિહાસ રચે છે, શાસ્ત્રીએ કહ્યું, આનાથી ભારતીય ક્રિકેટનો ચહેરો બદલાયો

0
1

ભારતે આ દિવસે જ 1983માં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. 37 વર્ષ પછી પણ, ટીમના દરેક ખેલાડીના મગજમાં આ જીતની યાદો તાજી છે. આ દિવસને યાદ કરતાં વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય મદન લાલે કહ્યું, “મુશ્કેલીઓ સામે લડીને મેળવેલી જીત ઇતિહાસ રચે છે.” જ્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારતીય ટીમે 1983માં જીત મેળવીને દેશમાં રમતનો પાયો નાખ્યો અને તેનો ચહેરો કાયમ માટે બદલ્યો.

મદન લાલે કહ્યું, 1983માં કોઈએ વિચાર્યું ન હતું કે અમે વર્લ્ડ ચેમ્પિયન બનીશું. અમે 1975 અને 1979 વર્લ્ડ કપમાં ફક્ત બે મેચ જીતી હતી. આવી સ્થિતિમાં 1983માં વર્લ્ડ કપનો વિજય દેશ માટે ઘણો મોટો હતો. તે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીતમાંથી એક હતી, કેમ કે અમે ફાઈનલમાં 2 વખતના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ 1983ના વર્લ્ડ કપના વિજયના 37 વર્ષ પૂરા થવા પર ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

એક ખેલાડી નહીં, તે આખી ટીમની જીત હતી: મદન લાલ

  • તેમણે વધુમાં કહ્યું કે, તે કોઈ એક ખેલાડીની નહિ, પરંતુ આખી ટીમની જીત હતી. ટૂર્નામેન્ટમાં બધાએ સારું પ્રદર્શન કર્યું, તેથી અમે ચેમ્પિયન બન્યા.

અમરનાથ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ હતા

  • ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બેટિંગ કરીને વર્લ્ડ કપ ફાઇનલમાં ફક્ત 183 રન બનાવ્યા હતા. શ્રીકાંતે ભારત તરફથી સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ લક્ષ્ય હાંસલ કરી શકી ન હતી અને તે 43 રનથી હારી ગઈ હતી. મોહિન્દર અમરનાથ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા. તેમણે 26 રન  બનાવવા ઉપરાંત 3 વિકેટ ઝડપી હતી.

રિચાર્ડ્સના આઉટ થવાથી વેસ્ટઇન્ડીઝની ટીમ દબાણમાં આવી ગઇ

  • ફાઈનલમાં મદન લાલને વિવિયન રિચાર્ડ્સની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેને આ વિકેટ હજી યાદ છે. લાલે કહ્યું, ‘રિચાર્ડ્સ 1983ના વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં હતો. તેને આઉટ કર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ પછી અમે વિકેટ લેવાનું ચાલુ રાખ્યું અને કેરેબિયન ટીમને કમબેક કરવાની તક મળી નહિ. તેથી જ અમે જીત્યા.”
  • હરભજન સિંહ અને મોહમ્મદ કૈફે પણ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા.