ખેડૂત કાયદાના વિરોધનો 19મો દિવસ : ખેડૂતો આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખહડતાળ પર રહેશે.

0
9

નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. તેઓ આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખહડતાળ પર રહેશે, સાથે જ તમામ મુખ્યાલયો પર ધરણાં કરશે. ખેડૂતોએ રવિવારે કુંડલી બોર્ડર પર મીટિંગ કરીને આ નિર્ણય કર્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે આંદોલનના સંબંધમાં જે પણ નિર્ણય કુંડલી બોર્ડરથી થશે એ જ અંતિમ માનવામાં આવશે.

કેજરીવાલ ઉપવાસ રાખશે, અમરિંદરે કહ્યું- નાટક કરી રહ્યા છે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખહડતાળને સમર્થન આપતાં કહ્યું હતું કે તે પોતે ભૂખહડતાળ પર બેસશે. તેમને તેમની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ભૂખહડતાળ કરવાની અપીલ કરી છે, સાથે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યું છે.

ખેડૂતોને મનાવવા માટે અમિત શાહ સક્રિય

ખેડૂત આંદોલન અંગે ગૃહમંત્રી અમિત શાહ સક્રિય થઈ ગયા છે. હજી સુધી શાહની ખેડૂતો સાથે એક જ બેઠક યોજાઈ છે, પણ હવે દરેક મુદ્દો તેઓ જાતે જોઈ રહ્યા છે. આ અંગે છેલ્લા 2 દિવસમાં શાહે 5 કરતાં વધુ બેઠક કરી છે. સરકાર દરેક રાજ્યના ખેડૂતો માટે અલગ સ્ટ્રેટેજી બનાવી રહી છે.

પંજાબના ખેડૂત નેતાઓને શાહ જાતે સમજાવશે

ખેડૂતોને મનાવવા અને આંદોલન સમાપ્ત કરાવવા માટે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રક્ષામંત્રી રાજનાથ સિંહને અલગ અલગ રાજ્યો અને યુનિયનોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બન્ને તમામ સાથે અલગ અલગ વાત કરશે, પણ પંજાબના ખેડૂત નેતાઓની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે.

ફરી ચર્ચા શરૂ થઈ શકે છે

બન્ને પક્ષ વાતચીતની સ્ટ્રેટેજી બનાવવામાં લાગી ગયા છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સરકાર સાથે ચર્ચા માટે જતા ખેડૂતોની સંખ્યા ઘટાડવામાં આવશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમારે નજર રાખવાની જરૂર છે, જેથી કોઈ અસામાજિક તત્ત્વ અમારી વચ્ચે ન હોય. તો આ તરફ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે આખા મુદ્દા પર ચર્ચા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here