ગાંધીનગર: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ ચકાસણી પણ શરૂ કરાઈ છે. ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ 15 એપ્રિલે પ્રવેશની ફાળવણી કરાશે. આ વખતે 43896 બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ગત વર્ષ કરતા આ વખતે RTEની બેઠકોમાં 39 હજારનો જંગી ઘટાડો થયો છે.
44 હજાર જેટલી બેઠકો માટે હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 2.35 લાખ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. આમ, RTEની પ્રવેશ કાર્યવાહીમાં બેઠકો કરતાં પાંચ ગણા વધુ ફોર્મ ભરાયા છે. RTE અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરાતી હોય છે. રાજ્યમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્વારા RTEની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે RTE અંતર્ગત 43896 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જોકે, ગત વર્ષે રાજ્યમાં 82853 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ચાલુ વર્ષે 38957 બેઠકોનો ઘટાડો થયો છે.