મુંબઈ NCBની ટીમે પાડોશના થાણે જિલ્લા ખાતેથી પ્રતિબંધિત નશીલી દવાના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. NCBની ટીમે ગુપ્ત બાતમીના આધારે કોડીનયુક્ત કફ સિરપની 8,640 બોટલ્સ જપ્ત કરી લીધી છે. આરોપીઓ કફ-સિરપનો ઉપયોગ મુંબઈ અને થાણેના કેટલાક વિસ્તારોમાં નશા સહિતના અન્ય કેટલાક ઉદ્દેશ્યો પાર પાડવા માટે કરવાના હતા.
બાતમીના આધાર પર શનિવારના રોજ થાણેના ભિવંડી શહેર પાસે આગ્રા-મુંબઈ રાજમાર્ગ પર એક કારને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી કોડીનયુક્ત કફ સિરપની 8,640 બોટલ્સ મળી આવી હતી. કુલ 60 બોટલ્સમાં રાખવામાં આવેલી આ બોટલ્સનું સામૂહિક વજન 864 કિગ્રા જેટલું હતું.
NCBના અધિકારીઓએ કારચાલકની ધરપકડ કરી હતી અને તેના પાસેથી મળેલી માહિતીના આધાર પર જાળ બિછાવીને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલો બીજા નંબરનો શખ્સ કફ સિરપની બોટલ્સની આ ખેપ પ્રાપ્ત કરવાનો હતો. અધિકારીઓએ આશરે 2 કિમી સુધી ટુ-વ્હીલરનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો અને તે વાહનને પણ જપ્ત કરી લીધું હતું. NCB મુંબઈએ આ મામલે કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તાજેતરમાં જ મણિપુર ખાતેથી પણ કોડીનયુક્ત કફ સિરપની 8,812 બોટલ જપ્ત કરવામાં આવી હતી. થૌબલ જિલ્લા પોલીસે શુક્રવારે સાંજના સમયે લિલોંગ અથૌખોંગ ખાતેથી કફ સિરપની 8,812 બોટલ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.