Thursday, October 28, 2021
Homeકેવડિયામાં કાલથી 2 દિવસીય ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ, ઉપરાષ્ટ્રપતિ કેવડિયા પહોંચ્યા,...
Array

કેવડિયામાં કાલથી 2 દિવસીય ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ, ઉપરાષ્ટ્રપતિ કેવડિયા પહોંચ્યા, રાષ્ટ્રપતિ કાલે પહોંચશે

બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સની શતાબ્દી વર્ષને ધ્યાને રાખતા ચાલુ વર્ષે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25-26 નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે થવાનું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આવતીકાલે સવારે 11 વાગ્યે થશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહેશે. લોકસભાના અધ્યક્ષ તથા વિવિધ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ બે દિવસય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કેવડિયા પહોંચ્યા

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું આજે વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર જીગીશાબેન શેઠ, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે ઉપરાષ્ટ્રપતિને આવકાર્યાં હતા, ત્યારબાદ તેઓ તુરંત જ હવાઈ માર્ગે કેવડિયા જવા રવાના થયા હતા. ઉપરાષ્ટ્રપતિ કેવડિયામાં યોજાનાર 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં આવતીકાલે હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે બુધવારે સવારે 9:50 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાંથી તેઓ 10 વાગ્યે હવાઈ માર્ગે કેવડિયા જવા રવાના થશે. અને ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં હાજરી આપશે.

27 વિધાનસભા અને વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સે હાજર રહેશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લગભગ 27 વિધાનસભા અને વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સે આ કોન્ફરન્સમાં હાજર રહેવા અંગેની પુષ્ટિ કરી છે. આ સંમેલનમાં તમામ રાજ્યોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થાય તેવી શક્યતા છે.

આ દિવસને ‘બંધારણ દિવસ’, ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે

26 નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને ‘બંધારણ દિવસ’, ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષને ‘પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’ના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. ‘અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન’ (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ) ની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1821થી કરવામાં આવ્યો હતો.

સબળ લોકશાહી માટે વિધાયિકા-કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય’ વિષય પર ચર્ચા થશે

આ વર્ષે આ સંમેલનનો વિષય છે ‘સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય’ કરવો. આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે ત્રણ અલગ-અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો-સંસદ/વિધાનસભા-વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે.

PM મોદી સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે

આ સંમેલનમાં સંસદ/વિધાનસભા અને વહીવટીતંત્રને પ્રજા પરત્વેની બંધારણીય જવાબદારીને વધુ અસરકારક ઢબે સુનિશ્ચિત કરવા પ્રત્યે પણ ભાર મૂકવામાં આવશે. બે દિવસીય સંમેલનનો સમાપન સમારોહ 26 નવેમ્બરના રોજ ‘સંવિધાન દિવસ’ના દિને હશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.

સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે

આ પ્રસંગે તમામ ઉપસ્થિતો વડાપ્રધાનના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના/આમુખનું ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવો તેમજ સંસદ- વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ, સશક્ત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે. આ સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે અને બાદમાં તેનું સમાપન થશે. આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે, દેશના રાષ્ટ્રપતિ સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે.

બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન

આ સંમેલન અંતર્ગત કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ સાત દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાન પણ સૌપ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments