રોગચાળો : સાયણમાં ઝાડા-ઊલ્ટીથી 2નાં મોત, કોલેરાના 2 કેસ પોઝીટિવ નોંધાયા

0
0
 • ગત સપ્તાહે 2નાં મોત બાદ વધુ 2 ભોગ બન્યા,મૃત્યુ આંક 4
 • ત્રણ દિવસમાં 100થી વધુ ઝાડા-ઊલ્ટીના કેસ નોંધાયા છેસુરતઃ સાયણ ગામે વરસાદી વાતાવરણ સાથે રોગચાળાએ માથું ઊંચકતા સાયણ વિસ્તારમાં ઝાડા-ઊલ્ટીના અનેક કેસ નોંધાવા સાથે હવે કોલેરાના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જ્યારે ગત સપ્તાહે ઝાડા-ઊલ્ટીમાં 2નાં મોત બાદ ફરી 2નું મોત થતાં કુલ 4નાં મોત થવાની ઘટનાએ લોકોમાં ફફડાટ મચ્યો છે.
 • મોટી સંખ્યામાં લોકો ઝાડા-ઊલ્ટીના રોગની ઝપેટમાં આવ્યા

  ઓલપાડ તાલુકાનું સાયણ ગામમાં દિવસો સુધી વરસાદી પાણીનો ભરાવો થવાથી ઠેર-ઠેર ગંદકી ઉદ્દભવી છે. ગંદા પાણીના ખાબોચિયા ભરાવા થઈ મચ્છરનો ઉપદ્રવ અને પીવાના પાણી દૂષિત થતા રોગચાળો ફેલાવાની દહેશત છે. જોકે, પંચાયતે સમયસર પાણીમાં ક્લોરીનેશન કરી ગ્રામજનોને પીવાનું દૂષિત પાણી આપતા પાણી જન્યરોગ ઝાડ અને ઊલ્ટીએ માથું ઉચક્યું છે. સાયણ ગામના આદર્શ નગર 1, 2, 3 અને રસુલાબાદ, ઝપતા નગર, સહારા પાર્ક, ઉસ્માનાબાદ, ઠાકોર નગર, ધનલક્ષ્મી, સાયણ સુગર રોડ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઝાડા-ઊલ્ટીના રોગની ઝપેટમાં આવ્યા છે. પાંચ દિવસમાં 100થી વધુ ઝાડા ઊલ્ટીના કેસ નોંધાયા છે.

  સ્થિતિ ગંભીર બની

  છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલ્ટીના વાવડમાં નોંધ પાત્ર વધારો થતા આદર્શ નગર 1,2,3 અને રસુલાબાદ વિસ્તારના 30 જેટલા લોકો જીવનરક્ષા હોસ્પિટલમાં દાખલ થયા છે. સાથે જ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 10 અને સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં બીજા અનેક લોકો દાખલ થયા છે. તેઓ સારવાર હેઠળ છે. સાયણ વિસ્તારમાં ઝાડા-ઊલ્ટીના વાવડમાં વધારો થતા સ્થિતિ ગંભીર બની છે.

  1 યુવક અને 1 વૃદ્ધનું મોત

  સાયણ સુગર અંકિત એસ્ટેટ ખાતે પંડિતના મકાનમાં ભાડેથી રહેતો અને લૂમ્સના ખાતામાં કામ કરતો મૂળ ઓરિસ્સા વાસી દીપક રામચંદ્ર વનવાસી (ઉ.વ.19) ને અચાનક ઝાડ અને ઊલ્ટી થતા સારવાર માટે સાયણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે બીજા એક કેસમાં નીલમ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો મૂળ ઓરિસ્સાનો પંચાનંદ બંચા નાહક (ઉ.વ.55)નું પણ ઝાડા-ઊલ્ટીમાં મોત થયું હતું. ગત સપ્તાહે ઝાડા-ઊલ્ટીમાં 2નાં મોત બાદ ફરી 1 યુવક અને 1 વૃદ્ધ મળી 2નાં મોત થતા કુલ મૃત્યુ આંક 4 થયો છે.

  બે યુવાનના કોલેરાના રિપોર્ટ પોઝીટિવ

  સાયણ વિસ્તારમાં ઝાડા-ઊલ્ટી સાથે હવે કોલેરાના રોગે પણ માથું ઉંચકતા સાયણ આદર્શ નગર -1 માં આવેલ રોશન કોમ્પ્લેક્ષમાં રહેતો ભગવાન દકુઆ (ઉ.વ.17) અને સાયણ ઓલપાડ રોડ હરીઓમ નગર ખાતે રહેતો વાલ્મીકી ગૌડ (ઉ.વ.22) આમ બંનેને કોલેરા થતા હાલ અમરોલી ખાતેની બંસરી હોસ્પિટલમાં સારવાર હેઠ‌ળ છે. જ્યારે બંને યુવાનના રીપોર્ટ પણ પોઝીટિવ કોલેરા હોવાનું નોંધાયું છે. ત્યારે ઝાડા-ઊલ્ટી બાદ હવે કોલેરાનો રોગ પણ દેખા દેતા વહીવટી તંત્ર દોડતું થયું છે.

  પરપ્રાંતીય વધારે શિકાર બની રહ્યા છે

  સાયણ માં ફેલાયેલા ઝાડા-ઊલ્ટી અને કોલેરા ના રોગમાં સ્થાનિકો કરતા પરપ્રાંતીય લોકો વધારે શિકાર થતા હોવાનું હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દી સાથે ગત સપ્તાહે એક અને મંગળવારે 2 પરપ્રાંતીય નું મોત થવાની ઘટનાએ બહાર આવ્યું છે. ત્યારે પરપ્રાંતીયનું મોત થવા પાછળ ગંદકી જવાબદાર હોવાનું કહેવાય છે.

  ખુલ્લી ગટરો બંધ ન કરતાં સ્થિતિ વકરી

  આદર્શ નગર-1ના રહેવાશી હર્ષદ કંથારીયાએ જણાવ્યું હતું કે, ઘરોની આજુબાજુમાં દૂષિત પાણીનો ભરાવો થવા સાથે પંચાયત દ્વારા નાખેલી ગટર લાઈનની કુંડીઓ લાંબા સમયથી ખુલ્લી પડી છે. જે બંધ કરવા અમોએ સરપંચ અને સભ્ય સહિત તમામને વારંવારની રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ગટર બંધ કરવાની કામગીરી નથી. ત્યારે ખુલ્લી ગટરમાં મચ્છરોનો ઉપદ્રવ થતા મચ્છરોને લઈને ઝાડા-ઊલ્ટી અને કોલેરાનો રોગ થયો છે. ખુદ મારા ઘરમાં બે મહિલાને ઝાડા-ઊલટી થયા હોઈ હાલ અમરોલી સારવાર અર્થે દાખલ કર્યા છે.

  અધિકારીઓ તપાસમાં લગાવ્યા છે

  ડી.એચ.ઓ ડો. હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, સાયણમાં ઝાડા-ઊલ્ટીના કેસ ધ્યાને આવતા કર્મચારીની ટીમ સાયણ ખાતે સરવેનું કામ કરી રહી છે. ત્યારે હાલ તમામ પ્રકારે કામગીરી ચાલી રહી હોય બેના મોત થવાની વાતે તેમના પીએમ કર્યા બાદ યોગ્ય કારણ પર પહોચશે. ત્યારે રોગચાળા પર નિયંત્રણ મેળવવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here