કાશ્મીરમાં 2 ફૂટ બરફ, આબુમાં 1 ડિગ્રી તાપમાન, દિલ્હીમાં 14 વર્ષમાં નવેમ્બરની સૌથી ઠંડી સવાર, તાપમાન ગગડીને 7.5 ડિગ્રી સેલ્સિયસ થયું

0
6

જમ્મુ-કાશ્મીરમાં ખીણ સહિત અનેક વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા થવાથી પર્યટકોના ચહેરા ખીલી ઊઠ્યા હતા. ગત અઠવાડિયે ત્રણ દિવસ સુધી ક્યાંક હળવી તો ક્યાંક ભારે હિમવર્ષા થઈ. તેનાથી ખીણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો અને રાત્રે તાપમાન શૂન્યથી નીચે માઈનસમાં ગગડી ગયું. એવામાં કાશ્મીરીઓએ પરંપરાગત કાંગડી બાળવા અને ફેરન પહેરવાની શરૂઆત કરી દીધી. કાંગડી તાપણું કરવાનું એક વાસણ છે જેને ફેરનની અંદર મુકાય છે. કાશ્મીરમાં શિયાળા દરમિયાન સતત વીજળીમાં કાપ મુકાય છે. એવામાં કાંગડી ખુદને ગરમ રાખવા લોકો માટે સૌથી સસ્તી અને પ્રભાવી રીત છે. આ દરમિયાન આજે માઉન્ટ આબુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં બે દિવસથી કોલ્ડવેવ ચાલી રહ્યો છે એટલે કે ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહ્યું છે. તે સામાન્યથી સાડા ચાર ડિગ્રી ઓછું છે. આ સ્થિતિ રવિવાર સવાર સુધી જળવાઈ રહેવાના અણસાર છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શનિવારે પહોંચી રહ્યું છે જેનાથી આગામી બે-ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. દિલ્હીમાં શુક્રવારે આ ઋતુનું સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. સફદરગંજમાં ન્યૂનતમ તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે ગત 14 વર્ષોમાં નવેમ્બરમાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે.

શાકભાજીનો સંગ્રહ શરૂ કરી દેવાયો

કાશ્મીર ખીણમાં શિયાળામાં ભોજન માટે પહેલાથી તૈયારી કરવી પડે છે કેમ કે હિમવર્ષા થવાથી શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ થઈ જાય છે. ખીણને દેશના અન્ય ભાગ સાથે જોડનાર તે એકમાત્ર હાઈવે છે. જરૂરી વસ્તુઓની સપ્લયામાં અડચણને ધ્યાનમાં રાખી આવનારા અઠવાડિયાઓ માટે શાકભાજીનો સંગ્રહ શરૂ કરી દેવાયો છે. બીજી બાજુ અધિકારીઓએ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં હિમસ્ખલનની ચેતવણી પણ ઉચ્ચારી છે. બુધવારે ઉત્તર કાશ્મીરના તંગધાર વિસ્તારમાં હિમસ્ખલનને લીધે સેનાનો એક જવાન મૃત્યુ પામ્યો અને બે જવાન ઘવાયા હતા.