કૂનો નેશનલ પાર્કથી ફરી એકવાર દુ:ખદ સમાચાર આવી રહ્યાં છે. નામીબિયાથી કૂનોમાં આવેલા ચિત્તાનાં વધુ 2 બચ્ચાઓનું મોત થયું છે .આ પહેલાં 23 મેના રોજ પણ એક બચ્ચાંનું મોત થયું હતું. હાલમાં જ જ્વાલા નામની માદા ચિત્તાએ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો જેના બાદ એક બચ્ચાનું મોત થયું હતું. આ સ્થિતિને જોતાં બાકીનાં 3 ચિત્તાઓ અને માદા ચિત્તા જ્વાલાને વાઇલ્ડલાઇફ ડૉક્ટર્સ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં 3 ચિત્તાઓ અને 3 ચિત્તાનાં બચ્ચાઓનું મૃત્યુ કૂનો નેશનલ પાર્કમાં થઈ ચૂક્યું છે.
મધ્યપ્રદેશનાં મુખ્ય વન સંરક્ષકની તરફથી જણાવવામાં આવ્યું કે 23 મેનાં ભીષણ ગરમીને લીધે અને ત્રણેય બચ્ચાઓની અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં લેતાં વાઇલ્ડલાઇફ ડૉક્ટર્સની ટીમે ત્રણેય બચ્ચાઓને રેસ્ક્યૂ કરીને સારવાર કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેમાથી 2 બચ્ચાઓની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ અને ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. અધિકારીએ જણાવ્યું છે કે વધુ એક બચ્ચાની સ્થિતિ હજુ ગંભીર છે અને સારવાર માટે તેને પાલપુર સ્થિત હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે. તેની સારવાર માટે ખાસ નામીબિયા અને સાઉથ આફ્રીકાનાં સહયોગી ચિત્તા વિશેષજ્ઞો અને ડોક્ટરોની પણ સલાહ લેવામાં આવી રહી છે. તો બીજી તરફ માદા ચિત્તા સ્વસ્થ છે.