મહેસાણા જિલ્લામાં 20 કેસ, મહેસાણા સહારા ટાઉનશીપમાં પરિવારના 9ને કોરોના, 250 દર્દી હાલમાં સારવાર હેઠળ

0
0

જોટાણામાં શુક્રવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 9 પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો છે. જિલ્લામાં શુક્રવારે જોટાણામાં 9, મહેસાણા-7, ખેરાલુ-3 અને કડીમાં 1 મળી કોરોનાના 20 દર્દીઓ નોંધાયા હતા. જેમાં 90 ટકા દર્દીઓ તેઓ ક્યાંથી સંક્રમિત થયા તે બાબતથી અજાણ હોઇ તંત્ર સંક્રમિતોને શોધવા ગોથા ખાઇ રહ્યું છે. જ્યારે મહેસાણામાં 5 કેસ નોંધાયા હોવાનો રિપોર્ટ આપ્યો છે. પરંતુ ખરો આંકડો ચોંકાવનારો છે.

લેબ ટેકનિશિયન બહેનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી સહારા ટાઉનશીપમાં એક જ પરિવારના 9 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતાં સોસાયટીમાં સોંપો પડી ગયો હતો. ગત 8 સપ્ટેમ્બરે પરિવારના સભ્યોને તાવની ફરિયાદ ઉઠતાં સારવાર લીધી હતી અને તમામના લીધેલા સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. તો મહેસાણા સિવિલના બે ક્લાસ વન અધિકારી સહિત 4 કર્મીને ચેપ લાગી ચૂક્યો છે. શુક્રવારે લેબ ટેકનિશિયન બહેનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીઓના ક્લોઝ સંપર્કમાં આવવાના કારણે કર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે સિવિલ દ્વારા પીપીઇ કીટ સહિતની સરકારી ગાઇડ લાઇન મુજબ સુવિધા ન અપાતી હોવાની પણ રાવ ઉઠી છે. સાથે ટેમ્પરરી ટેકનિશિયનો ભરવા પણ માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે 9 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યા છે. 85 દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ બાકી છે. 250 દર્દી હાલમાં સારવાર લઇ રહ્યા છે.

ઉ.ગુ.વીજ કંપનીનું કસ્ટમર કેર સેન્ટર સપ્તાહ માટે બંધ

ઉત્તર ગુજરાત વીજકંપનીની મહેસાણા વડી કચેરી સંકુલમાં આવેલ કસ્ટમર કેર સર્વિસ સેન્ટરમાં પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં શુક્રવારથી એક અઠવાડિયું આ સેન્ટરનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ટેલિફોનિક ફરિયાદ નંબર રિસિવ થઈ શકશે નહીં. યુવીજીવીસીએલની વેબસાઈટ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ વીજકંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here