અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ૨૦ ઇલેક્ટ્રિક એસટી બસો ૬ મહિનામાં દોડશે

0
5

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ૨૦ ઇલેક્ટ્રિક એસટી બસો ૬ મહિનામાં દોડતી થઈ જશે. એ સાથે જ અમદાવાદ-વડોદરા વચ્ચે ૨૦ ઇલેક્ટ્રિક બસો તથા રાજકોટ-જામનગર વચ્ચે પણ ૧૦ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું એસટી નિગમનું આયોજન છે. ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટથી રાજ્યમાં પહેલીવાર ગ્રીન ફ્યૂઅલ યાને ઇલેક્ટ્રિક બેટરીવાળી બસો ભાડેથી દોડાવવા બે દિવસ પહેલાં જ ટેન્ડર બહાર પડી ચૂક્યું છે.નીતિ આયોગની ગાઇડલાઇન પ્રમાણે ભારત સરકારે આ ૯ મીટરની ૫૦ ઇલેક્ટ્રિક બસો ગુજરાત માટે મંજૂર કરેલી છે, જેમાં ગ્રીન ફ્યૂઅલને ઉત્તેજન આપવા ભારત સરકાર બસદીઠ મહત્તમ રૂ. ૧ કરોડ સબસિડી ચૂકવશે. નિગમના ઉપાધ્યક્ષ તથા મેનેજિંગ ડિરેક્ટર એસ. જે. હૈદરના કાર્યકાળમાં આ પહેલું મોટું આયોજન થઈ રહ્યું છે.

ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ-મોડલ એ એક પ્રકારનું પીપીપી મોડલ જ છે, જેમાં કોન્ટ્રાક્ટરને કિલોમીટરદીઠ ભાડું ચૂકવાશે, ડ્રાઇવર અને તેનો ખર્ચ નિગમનો રહેશે. આ પ્રોજેક્ટમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગર ખાતે જે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઊભા થશે, એનું રોકાણ કોન્ટ્રાક્ટરે કરવાનું રહેશે.એને માટે જગ્યા નિગમ પૂરી પાડશે, ઉપરાંત પ્રતિયુનિટ ચાર્જિંગ ખર્ચ પણ નિગમ જ ભોગવશે, એમ ઉલ્લેખી સૂત્રો કહે છે, પ્રદૂષણ ઘટાડવાનો એકમાત્ર આશય આ પ્રોજેક્ટ પાછળ હોઈ મોટાભાગે નો પ્રોફિટ-નો લોસથી આ ઇલેક્ટ્રિક બસો દોડાવવા આયોજન થઈ રહ્યું છે.

આ સાથે ૫૧ સીટરની નવી ૧ હજાર બસો ખરીદવા પણ નિગમે ૪ દિવસ પહેલાં ટેન્ડર બહાર પાડી દીધા છે. આશરે રૂ. ૨૭૦ કરોડના ખર્ચે ભારત સ્ટેજ સિક્સ એમિશન સ્ટાન્ડર્ડ મુજબની આ બસો રોડ ઉપર આવતા ઓછામાં ઓછા ૯ મહિના વિતી જશે, એટલે આ વર્ષે તો નિગમે તેની ૭,૫૦૦ જેટલી રોડ ઉપરની બસોથી જ કામકાજ ચલાવવું પડશે.એસટી નિગમે અનલોક-૨ના સમયગાળામાં રાજ્ય બહાર પહેલીવાર રાજસ્થાન ખાતે બે દિવસથી એસટી બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારે દૈનિક ૪૫ બસો દોડાવાઈ રહી છે. અત્યારે નિગમ તેની ડીઝલની કુલ ૭,૫૦૦ બસો પૈકી ૩,૯૮૧ બસો ચલાવી રહ્યું છે, તદુપરાંત ૧૮૯ એસી બસો પણ ભાડેથી ફરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here