Wednesday, September 29, 2021
Homeઅમદાવાદરાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 18 સ્ટેટ હાઇવે સહિત 200 રસ્તા બંધ

રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 18 સ્ટેટ હાઇવે સહિત 200 રસ્તા બંધ

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં 516 મિ.મી. એટલે કે 21 ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં 468 મિ.મી. એટલે કે 19 ઈંચ જેટલો, કાલાવડમાં 406 મિ.મી. એટલે કે 16 ઈંચ જેટલો અને રાજકોટમાં 325 મિ.મી. એટલે કે 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 18 સ્ટેટ હાઈવે સહિત 200 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે.

આજે સવારે આટલા તાલુકાઓમાં વરસાદ થયો
રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે તારીખ 14 સપ્ટેમ્બર 2021ને સવારે 6.00 કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં 21 ઈંચથી 16 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ 12 તાલુકામાં 10 ઈંચથી 6 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

વરસાદને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું.
વરસાદને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું.

રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો
આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ 20 તાલુકામાં છ ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જ્યારે 61 તાલુકામાં ચાર ઈંચથી એક ઈંચ સુધી અને અન્ય 99 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ચાલુ સીઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં સીઝનનો 80 ટકા વરસાદ થયો.
સૌરાષ્ટ્રમાં સીઝનનો 80 ટકા વરસાદ થયો.

રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા
ભારે વરસાદને કારણે 14 સપ્ટેમ્બરે સવારે 9.00 કલાકની સ્થિતિએ રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા છે, જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે, જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રિપો રદ કરાઈ છે.

18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે હાલમાં લો-પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાત-કચ્છની આસપાસ સક્રિય થયું છે તેમજ બંગાળની ખાડીનું વેલમાર્ક લો-પ્રેશર પાંચ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે, અમદાવાદમાં 1થી 3 ઇંચ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

વરસાદના પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.
વરસાદના પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.

NDRF-SDRFની ટીમને એલર્ટ રહેવા સૂચના
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 4 દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments