2019 વનડે વર્લ્ડ કપ ફાઇનલ : આજના દિવસે જ ઇંગ્લેન્ડ પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું, મેચ અને સુપર ઓવર બંનેમાં ટાઈ પડતા વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી વિજેતા જાહેર થયું હતું

0
0

ગયા વર્ષે આજના દિવસે જ લોર્ડ્સના મેદાન પર યજમાન ઇંગ્લેન્ડ પહેલીવાર વનડે વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ અને સુપર ઓવર બંનેમાં ટાઈ પડી હતી. વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું હતું. તે પછી બાઉન્ડ્રી કાઉન્ટના નિયમના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ મામલે ઇંગ્લેન્ડ કિવિઝ પર ભારે પડ્યું હતું, કારણકે તેણે મેચમાં કુલ 26 બાઉન્ડ્રી મારી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે 17 બાઉન્ડ્રી ફટકારી હતી.

ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેના 3 મહિના પછી બાઉન્ડ્રી ગણતરીનો નિયમ બદલાયો

આ પછી ICCના નિયમની આકરી ટીકા થઈ હતી અને આ નિયમ ત્રણ મહિના બાદ હટાવવામાં આવ્યો હતો. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો ICC ટૂર્નામેન્ટમાં ફાઇનલ અને સેમિફાઇનલ મેચ ટાઈ થાય તો એક ટીમ બીજી ટીમ કરતા વધુ રન બનાવશે ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે. આ નિયમ વનડે અને T-20 બંનેમાં લાગુ થશે. તે જ સમયે, જો ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં સુપર ઓવર ટાઇ હોય, તો મેચ ટાઈ રહેશે.

શું થયું હતું ફાઇનલમાં?

ગયા વર્ષે 14 જુલાઇએ યોજાયેલ વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. કિવિઝે 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 242 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ પણ નિર્ધારિત 50 ઓવરમાં 241 રન જ બનાવી શકી હતી અને મેચ ટાઈ હતી.

નિયમો અંતર્ગત નોકઆઉટ સ્ટેજનો મુકાબલો ટાઈ થાય તો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવાનો હતો. વનડેમાં પહેલીવાર સુપર ઓવર લાવવામાં આવી અને પહેલીવાર વર્લ્ડ કપમાં તેનો ઉપયોગ થયો હતો.

બંને ટીમોએ સુપર ઓવરમાં પણ 15-15 રન બનાવ્યા હતા

બંને ટીમો સુપર ઓવરમાં પણ 15-15 રન બનાવી શકી હતી અને મેચ ટાઇ થઈ ગઈ હતી અને ફરી એક વાર વિજેતાનો નિર્ણય થઈ શક્યો ન હતો. આ પછી ICCના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here