કરજણ પેટાચૂંટણી : સવારે 11 વાગ્યા સુધીમાં કરજણ બેઠક પર 22.95 ટકા મતદાન, 3 સ્થળોએ EVM ખોટકાયા.

0
7

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં કરજણ બેઠક પર 22.95 ટકા મતદાન થયું છે. કજરણના ભરથાણા ગામના બુથ નં-89 ઉપર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે પણ મતદાન કર્યું હતું. બંનેએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મિયાગામ કરજણ, દેથાણ અને સાપા ત્રણ સ્થળોએ EVM ખોટકાતા મતદાન સમયસર શરૂ ન થયું હતું. કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ, અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કરજણ બેઠક પર 1,04,834 પુરૂષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદારો નોંધાયા છે. 246 મુખ્ય મતદાન મથકો અને 65 પૂરક સહિત કુલ 311 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે.

 

જનતા પક્ષપલટુને પાઠ ભણાવશેઃ કોંગ્રેસ ઉમેદવાર

કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું કરજણ અને શિનોરના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરૂ છું. આ લડાઇ કરજણની જનતા અને પક્ષપલટુ ઉમેદવાર વચ્ચેની છે. જેમાં જનતા પોતાનો આક્રોશ ઠાલવશે અને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવશે. મતદાનમાં ઉત્સાહ એ દર્શાવે છે કે, પ્રજા પક્ષપલટુને પાઠ ભણાવવા માંગે છે.

કરજણના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કરજણ બેઠકની પેટાચૂંટણીને લઇને આજે તમામ 311 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં પહેલીવાર સરકારની કોવિડ-19 ગાઈડલાઈન મુજબ દરેક મતદારોને મતદાન કરવા માટે હેન્ડ ગ્લોઝ આપવમાં આવી રહ્યા છે. તેમજ મતદાન મથકમાં પ્રવેશતા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે અને હેન્ડ સેનેટાઇઝ અના માસ્ક પણ ફરજીયાત છે અને પીપીઇ કીટ રાખવમાં આવેલી છે. કોઈ કોવિડ 19 શંકાસ્પદ જણાઈ આવે તો પીપીઈ કીટ પહેરાવીને અને કર્મચારીઓને પણ પીપીઈ કીટ પહેરવીને મતદાન કરાવવામા આવશે.

કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું
(કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું)

 

મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રહેશે

કોરોના મહામારીને ધ્યાને લઈ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ કર્મચારીઓ માટે માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મતદાન માટે આવતા જે મતદારોએ માસ્ક પહેર્યુ નહીં હોય તેવા મતદારો માટે માસ્ક તથા તમામ મતદારો માટે મતદાન કરવા માટે ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા કરવામાં આવી છે.

વૃદ્ધ, દિવ્યાંગ અને સગર્ભા મતદારોને મતદાન માટે અગ્રતા અપાઇ રહી છે

આ ઉપરાંત વૃદ્ધ, દિવ્યાંગ અને સગર્ભા મતદારોને મતદાન માટે અગ્રતા આપવામાં આવશે. દરેક મતદાન મથકના સ્થળ ઉપર હેલ્પ ડેસ્કની તેમજ સેનેટાઈઝર અને હાથ ધોવા સાબુ તથા પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે. મતદાન મથકે સામાજીક અંતર જળવાઈ રહે તે માટે મતદારો માટે 6-6 ફુટના અંતરે વર્તુળ કરવામાં આવશે.

ચૂંટણી પંચે કોરોના સંદર્ભે ખાસ માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી

રિસીવિંગ-ડિસ્પેચીંગ સેન્ટર પરના અધિકારી-કર્મચારીઓના આરોગ્યની ચકાસણી
મતદાન મથકના પ્રવેશદ્વારે આરોગ્ય કર્મચારી સાથે થર્મલ ગન-સેનેટાઈઝરની વ્યવસ્થા
તમામ કર્મચારીઓ માટે માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડની વ્યવસ્થા
તમામ મતદારો માટે માસ્ક તથા મતદાન કરવા સારૂં ડીસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા
મતદાનના દિવસે મતદારો માટે પ્રતિક્ષા કક્ષ
કોરોનાના કારણે મતદાન મથકે માત્ર 1 હજારની મર્યાદામાં જ મતદારો મતદાન કરી શકે તેવું આયોજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here