કોરોના ગુજરાત કલાકમાં કોરોનાના 230 નવા કેસ, તમામ 18 મોત અમદાવાદમાં, મૃત્યુઆંક 151 અને કુલ દર્દી 3301

0
9

  • અમદાવાદમાં 178, સુરતમાં 30, આણાંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસ
  • 18 મોતમાંથી 8ના પ્રાથમિક રીતે કોરોનાને કારણે જ્યારે 10ના અન્ય બીમારીઓ, હાઈરીસ્ક અને કોરોનાને કારણે મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા
  • 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર, 313 ડિસ્ચાર્જ અને 151ના મોત
  • સવારે રાજ્યમાં નાના-મોટા ધંધાઓ શરૂ થયા અને બપોર બાદ ચાર મહાનગરોમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય
  • ગુજરાતમાં 80 ટકા કેસ 4 મહાનગરોમાં, રમઝાનમાં હળવાશ રહે તે માટે લોકડાઉન હળવું નથી કરાતું: CM રૂપાણી

અમદાવાદ. રાજ્યમાં કોરોના અતિ ગંભીર બની ગયો છે અને દિવસેને દિવસે મોત તથા દર્દીઓનો આંકડો જેટ ગતિએ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે તેમજ 31 દર્દી સાજા થયા છે. આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 151એ પહોંચી ગયો છે અને કુલ દર્દી 3301 થઈ ગયા છે અને કુલ 313 દર્દી સાજા થયા છે. 18 મોતમાંથી 8ના પ્રાથમિક રીતે કોરોનાને કારણે જ્યારે 10ના અન્ય બીમારીઓ, હાઈરીસ્ક અને કોરોનાને કારણે થયા છે.

27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર અને 313 ડિસ્ચાર્જ

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 178, સુરતમાં 30, આણાંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 18ના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે. કુલ 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર, 313 ડિસ્ચાર્જ અને 151ના મોત થયા છે.

26 એપ્રિલની સવારથી અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ 

ચાર મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશેઃ અશ્વિની કુમાર

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી. આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે, ચારેય મહાનગરોમાં ૩જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.

ડ્રોનના ફૂટેજથી 810 ગુના નોંધી 700થી વધુની ધરપકડ કરીઃ DGP
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સંદર્ભે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, બોટાદમાં દારૂની હેરફેર કરતા શખ્સો ઝડપાયા છે. લોકોની અવર જવર ચલાવી લેવાશે નહીં. લોકડાઉન ભંગના 45 ગુના નોંધ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના 58 એકાઉન્ટ ડિલીટ કરાવ્યા છે. જ્યારે ડ્રોનના ફૂટેજથી 810 ગુના નોંધી 700થી વધુની ધરપકડ કરી છે. હાલ લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ
સરકારની સૂચના અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા કોરોના હોટસ્પોટ સહિત 90 ટકા ગુજરાતમાં વહેલી સવારથી કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિકની દુકાનો પર પણ લોકો ઉમટી પડ્યા હતા. આજે અખાત્રીજ નિમિત્તે કેટલીક ચોક્કસ દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપતા જ વહેલી સવારથી જ આ દુકાનદારોએ પૂજા કરી ધંધા શરૂ કરી દીધા હતા. તેની સાથે સાથે તમામ દુકાનદારો સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરતા જોવા મળ્યા હતા.

61 હોસ્પિ.માં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિ. સાથે 22 હજાર બેડની વ્યવસ્થા
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ 3,071 છે, જેમાંથી 2656 એક્ટિવ કેસ છે. હાલ 61 હોસ્પિટલમાં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિટલ સાથે 22 હજાર બેડની વ્યવસ્થા છે. ગુજરાત જેટલી જ વિસતિ ધરાવતા દેશ ઈટાલી અને સ્પેન કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. સમયસર લોકડાઉન થતા ઘણો ફાયદો  મળ્યો. ગુજરાતમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ઉપલબ્ધ છે. PPE કીટનો જથ્થો પણ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1061 વેન્ટિલેટર જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર છે.

અમદાવાદમાં વેપારીઓએ આડશ કરીને ગ્રાહકોને બહાર વસ્તુઓ વેચી
કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા.

વડોદરામાં વેપારીઓએ સાફ સફાઈ બાદ દુકાનો બંધ કરી
વડોદરા શહેરના રેડઝોન નાગરવાડાને બાદ કરતા અને સરકારે નક્કી કરેલા વિસ્તારોમાં ઇલેક્ટ્રિક, ગેરેજ, પતરાં, ચશ્મા, હાર્ડવેર, ઓટોપાર્ટ્સ, પૂજાનો સામાન, બેકરી, સહિતની દુકાનો ખુલી હતી. જોકે, મોટા ભાગના વેપારીઓ એક માસથી બંધ દુકાનોમાં સાફ સફાઇની કામગીરી કરી દુકાનો બંધ કરી હતી. શહેરના વાઘોડિયા રોડ, ન્યુ વી.આઇ.પી. રોડ,કારેલીબાગ, ગોત્રી, ગોરવા, તરસાલી, મકરપુરા,માંજલપુર,અલકાપુરી સહિતના વિસ્તારોમાં નાની દુકાનો ખુલી હતી. વેપારીઓએ જણાવ્યું કે, દુકાનો ખોલવાની જે મંજૂરી આપવામાં આવી છે. તેનો કોઇ અર્થ નથી કારણ કે, ખરીદી કરવા નીકળનાર ગ્રાહકોને પોલીસ લોકડાઉનના કારણે રોકી રહી છે. ખરીદી કરવા માટે નીકળેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

રંગીલા રાજકોટમાં રવિવાર છતાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સથી ગ્રાહકોએ ખરીદી કરી
રાજકોટમાં આજે રવિવાર હોવા છતાં સવારથી પંચર, કપડા, દૂધની ડેરીઓ, કરિયાણાની દુકાનો ખુલી ગઇ છે. સવારના સમયે ગ્રાહકોની ભીડ જોવા મળી નથી. પરંતુ સાંજના સમયે ગ્રાહકોની સંખ્યા વધે તેવી વેપારીઓમાં આશા છે. જે-તે વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના જ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરવાની રહેશે. શહેરના રેલવે જંક્શન, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં આજથી સવારે અમુક દુકાનો ખુલી છે જ્યારે અમુક દુકાનદારોએ રવિવાર હોવાથી રજા પણ પાળી છે. જે દુકાનો ખુલી છે ત્યાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સથી ખરીદી કરી રહ્યા છે.

સુરતમાં ગ્રીન ઝોનમાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ ખરીદી કરી

સુરતના સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન, વરાછા-એ ઝોન, અઠવા ઝોન, રાંદરે ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન આ સાત ઝોન કન્ટેઈનમેન્ટ હેઠળ આવતા હોવાથી આજે આ વિસ્તારમાં દુકાનો ખુલી નથી. જ્યારે અન્ય વિસ્તારોમાં દુકાનો ખુલી છે. રવિવાર હોવાથી  ઓછી દુકાન ખુલી જોવા મળી છે. આ દુકાનો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અમલ કરતા નજરે પડી રહ્યા છે. રેડ ઝોનમાં એક પણ દુકાન ખુલી નથી. જ્યારે ગ્રીન ઝોનમાં આવેલી દુકાને ધીમે-ધીમે ખુલી રહી છે. જ્યારે દુકાનદારો દ્વારા પણ સર્કલ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

કુલ દર્દી 3301, 151ના મોત અને 313ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2181 104 140
વડોદરા 234 12 56
સુરત 526 15 16
રાજકોટ 45 00 14
ભાવનગર 40 05 18
આણંદ 49 03 14
ભરૂચ 29 02 14
ગાંધીનગર 25 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 17 02 00
બનાસકાંઠા 28 00 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 03
મહેસાણા 07 00 02
બોટાદ 12 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 01 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 03 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3301 151 313

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here