Wednesday, December 8, 2021
Home239 પેસેન્જર સાથે ગુમ થયેલા MH370 પ્લેનનો ભેદ ઉકેલાશે? માછીમારે રેકોર્ડ પ્લેન...
Array

239 પેસેન્જર સાથે ગુમ થયેલા MH370 પ્લેનનો ભેદ ઉકેલાશે? માછીમારે રેકોર્ડ પ્લેન ક્રેશનો વીડિયો કર્યો

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડોનેશિયાના એક માછીમારે 239 પેસેન્જર સાથે ગુમ થયેલા મલેશિયાના MH370ને ક્રેશ થતા જોયું હોવાનો દાવો કર્યો છે. માછીમારના દાવા અનુસાર, આ ફ્લાઇટ દરમિયાનમાં કપાયેલા પતંગની માફક પડી હતી. 8 માર્ચ, 2014માં MH370 પ્લેન અચાનક જ રૂટ પરથી ગાયબ થઇ ગયું હતું અને તેમાં બેઠેલા 239 પેસેન્જર્સની પણ હજુ સુધી કોઇ ભાળ મળી નહતી. માછીમારે એવો દાવો પણ કર્યો છે કે, તેણે આ પ્લેન જ્યારે દરિયામાં ક્રેશ થઇ રહ્યું હતું તે દરમિયાનની ઘટનાને રેકોર્ડ પણ કરી છે. કુઆલામ્પુરથી ટેક ઓફ થયા બાદ ગુમ થયેલું MH370 પ્લેન એવિએશન ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે.

42 વર્ષીય રુસ્લી કુશમિને કહ્યું કે, તેણે અને તેના કામદારોએ આ પ્લેનને ક્રેશ થતાં નજરે જોયું હતું અને તેઓએ ઘટનાને રેકોર્ડ પણ કરી હતી. તેઓ ઇન્વેસ્ટિગેશન ટીમને જીપીએસ ડિવાઇસની મદદથી પ્લેનના ચોક્કસ લોકેશન અંગે માહિતી પુરી પાડવા પણ તૈયાર છે.

પ્લેન ક્રેશ થયું તેનો વીડિયો રેકોર્ડ કર્યો

પ્લેનમાંથી કાળો ધૂમાડો નિકળ્યો અને ક્રેશ થયું

રુસ્લી કુશમિને મીડિયા કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ પ્લેન સ્ટ્રેટ ઓફ મલાક્કાની સાંકડી શિપિંગ લેનમાં પડ્યું હતું. મલાક્કા કુઆલામ્પુરની પશ્ચિમે આવેલું છે. ફૂકેટ આઇલેન્ડ, થાઇલેન્ડની આસપાસ જ મલેશિયા એરલાઇન્સનો MH370 સાથે સંપર્ક ખોરવાયો હતો.

માછીમાર કુશમિને નકશાના આધારે મીડિયાને જણાવ્યું કે, કેવી રીતે પ્લેન પાણીમાં કોઇ પણ પ્રકારના અવાજ વગર ડૂબી ગયું. મલેશિયાના સુંબાગ જાયામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં કુશમિને કહ્યું કે, મેં એક પ્લેનને ડાબેથી જમણે જતું જોયું, આ એરક્રાફ્ટ હવામાં કપાયેલા પતંગની જેમ ઉડી રહ્યું હતું. તેમાંથી કોઇ અવાજ આવતો નહતો. માત્ર પ્લેનમાંથી કાળો ધૂમાડો દેખાઇ રહ્યો હતો. આખરે તે સમુદ્રમાં ડૂબી ગયું. પ્લેન પાણીમાં પડતાંની સાથે જ હવામાં એસિડ જેવી તીવ્ર સ્મેલ આવી રહી હતી.

5 વર્ષ શા માટે રાહ જોઇ?

કોન્ફરન્સમાં કુશમિન આ થિયરી રજૂ કરવા અને પ્લેનની માહિતી હોવા અંગે 5 વર્ષ સુધી કેમ ચૂપ રહ્યો તેના સવાલનો કોઇ જવાબ આપ્યો નહતો. કુશમિને મલેશિયાની એનજીઓ CASSAને પુરાવાઓ રજૂ કરતા પહેલાં કોરનમાં સોગંધ પણ લીધા હતા. આ ડેટાને મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટર મહાધીર મોહમ્મદને સોંપવામાં આવશે.

મલેશિયાની સરકારે ગત વર્ષે મલેશિયાના પ્લેનના સર્ચિંગને સત્તાવાર રીતે અટકાવી દીધું હતું. ઇન્વેસ્ટિગેશન ટીમે પોતાના અંતિમ રિપોર્ટમાં તેઓને આ પ્લેન અંગે કોઇ વિશેષ જાણકારીઓ મળી નથી તેવું કહી ક્લોઝર રિપોર્ટ આપી દીધો હતો.

MH370 ફ્લાઇટ સાથે શું થયું હતું?

મલેશિયા એરલાઇન ફ્લાઇટ MH370 કુઆલામ્પુરથી બીજિંગ જવા માટે ટેક ઓફ થઇ હતી. તેમાં ક્રૂ મેમ્બર સહિત 239 લોકો હતા. 8 માર્ચ, 2014ના રોજ અંદાજિત 12.14am વાગ્યે આ ફ્લાઇટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સંપર્ક ફૂકેટ આઇલેન્ડનના સ્ટ્રેઇટ ઓફ મલ્લાકા પાસે તૂટ્યો હતો.

સંપર્ક તૂટ્યો તે પહેલાં મલેશિયન ઓથોરિટીને પ્લેનમાંથી પાઇલટ અથવા કો-પાઇલટ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો હતો. જે ‘ગુડ નાઇટ મલેશિયા થ્રી સેવન ઝીરો હતો.

શું પ્લેનનો કોઇ કાટમાળ મળ્યો?

એક અંદાજ મુજબ પ્લેનના 5 ટૂકડાં દરિયાના વહેણમાં આફ્રિકાના મેડાગાસ્કર સુધી પહોંચી ગયા હશે. એવિએશન એક્સપર્ટ વિક્ટર ઇનેલોના તારણ અનુસાર, એક ટૂકડો જે મોટાંભાગે પ્લેનના ઇન્ટિરિયર ફ્લોરબોર્ડ જેવો દેખાય છે, તે પ્લેનની હાઇસ્પીડ ઇમ્પેક્ટ સાથે મેળ ખાય છે.

આ પ્લેનને ગુમ થવા પાછળ અનેક થિયરી રજૂ થઇ ચૂકી છે. અંદાજિત 30થી વધુ એરક્રાફ્ટ કાટમાળ વિશ્વના અલગ અલગ સ્થળોએથી એકઠાં કરવામાં આવી ચૂક્યા છે. ત્રણ વિંગના ટૂંકડાઓ હિંદ મહાસાગરમાંથી મળી આવ્યા હતા, તે MH370 પ્લેનના હોવાના પણ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments