- છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાના નવા 18,522 કેસ નોંધાયા, 3.21 લાખ દર્દીઓએ કોવિડ-19ને મ્હાત આપી.
નવી દિલ્હીઃ સમગ્ર દુનિયાની સાથે ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 18,522 નવા પોઝિટિવ કેસ (Covid-19 Positive) નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 418 દર્દીનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 66 હજાર 840 કન્ફર્મ કેસ નોંધાઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 15 હજાર 125 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 16,893 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 21 હજાર 723 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 જૂન સુધીમાં 86,08,654 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,10,292 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા. કોરોના વાયરસના કારણે 24 કલાક દરમિયાન 19 દર્દીનાં મોત થયા. જોકે, 24 કલાકમાં રાજ્યભરમાંથી 440 દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘરે પરત પણ ગયા છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 236 અને સુરતમાં 217 કેસ નોંધાયા. અત્યાર સુધી અમદાવાદ શહેરમાં જ કોરોનાના 200 કરતાં વધુ કેસ નોંધાયા હતા પરંતુ આજે પહેલી વાર સુરત જિલ્લામાં કોરોના વાયરસના કુલ 217 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે.
આમ રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો 32,000ને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 32023 કેસ નોંધાયા છે જે પૈકીના 23,248 સાજા થઈ ગયા છે. જ્યારે અમદાવાદમાં આજના કેસ સાથે અત્યારસુધીમાં 20,716 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 236, સુરતમાં 217, વડોદરામાં 50, પાટણમાં 20, રાજકોટમાં 11, આણંદમાં 11, મહેસાણામાં 10, અમરેલીમાં 10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, અન્ય રાજ્યના 8, ખેડાના 7, જામનગરમાં 6, અરવલ્લીમાં 6, ભાવનગરમાં 4, પંચમહાલમાં 3, ગીર સોમનાથમાં 3, રાજકોટ શહેરમાં 2, ગાંધીનગરમાં 2, કચ્છમાં 2, જૂનાગઢમાં 2, નવસારીમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ શહેરમાં 2, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, બોટાદમાં 1, વલસાડમાં 1 એમ કુલ 626 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 9, સુરત કોર્પોરેશનમાં 2, ગ્રામ્યમાં 2, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 1, ખેડામાં 1, અમરેલીમાં 1 કુલ 19 દર્દીઓનાં મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના કુલ 6947 કેસ એક્ટિવ છે જે પૈકીના 63 વેન્ટિલેટર પર છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 23247 દર્દીઓને કોરોના મ્હાત આપવા બદલ હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે જ્યારે આજદિન સુધીમાં રાજ્યનાં 1828 દર્દીનાં મોત થયા છે.