રાજકોટ : કોરોનાથી 26નાં મોત, પોઝિટિવ કેસની સંખ્યા 4632 પર પહોંચી, 1332 સારવાર હેઠળ

0
0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજકોટમાં દરરોજ 100 આસપાસ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાથી 100થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. રાજકોટમાં 24 કલાકમાં 26 લોકોના મોત થયા છે. શહેરના 20 ,ગ્રામ્યના 4, જ્યારે અન્ય જિલ્લાના 2 દર્દીઓના મોત થયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 4632 પર પહોંચી છે. જેમાંથી 1332 દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ પણ નાજુક છે. ફેફસામાં ગઠ્ઠા જામી જતા ઓક્સિજન પહોંચતું નથી. તેથી ભારદ્વાજને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ફેફસાંમાં કાણા પડતા એક્મો ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી

સાંસદ અભયભાઈ ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસાંમાં વ્યાપક તકલીફ ઊભી છે. ફેફસામાં ગઠ્ઠા જામી જતા ઓક્સિજન પહોંચતું નથી તેથી વેન્ટિલેટર પર છે. તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપવામાં આવી છે. છતાં સુધારો ન આવતા તેમજ ફેફસામાં કાણા પડી ગયાનું તબીબોએ જણાવ્યું છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી એક્મોની તૈયારી હોવાનું તબીબે જણાવ્યું છે. આ માટે ફેફસાના નિષ્ણાંત ડો. સમીર ગામી મોડીરાત્રે ચાર્ટડ પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા.

ગઈકાલે રાજકોટમાં 94 અને ગ્રામ્યમાં 47 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજ સુધીમાં 94 અને ગ્રામ્યમાં 47 કેસ નોંધાયા હતાં. જ્યારે રેકોડબ્રેક 39 લોકોના કોરોનાથી મોત થયા હતાં. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6500ને પાર પહોંચી ગઈ છે. જેને લઈને લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે.

રાજકોટમાં સ્ટેશનરીની દુકાનો આજથી 8થી સાંજે 5 સુધી ખુલ્લી રહેશે

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર-ઉદ્યોગ બંધ ન કરવા નિર્ણય કરતા હવે દરેક એસોસિએશન પોતાની રીતે દુકાનો ખોલવાનો અને બંધ કરવાનો નિર્ણય કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના સ્ટેશનરીના 30 જેટલા વેપારી કોરોના મહામારીનો ભોગ બનતા ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મર્ચન્ટસ એસોસિએશને 10 દિવસ સુધી દુકાનો ખોલવાનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યાનો રાખવાનો નિર્ણય કર્યો છે. ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી જિગ્નેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કેસ વધી રહ્યાં છે અને અમારા સ્ટેશનરીના 30 જેટલા વેપારી તથા તેના પરિવારજનો તેનો શિકાર બની ગયા છે ત્યારે હાલમાં આ મહિનો તકેદારી રાખવી જરૂરી હોવાથી આજથી 26 સુધી દુકાનો સવારે 8થી સાંજે 5 સુધી સ્વૈચ્છિક રીતે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી આજથી 10 દિવસ 450 જેટલી દુકાન સાંજે 5 સુધી જ ખૂલશે.

રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારી પોઝિટિવ

રાજકોટની જિલ્લા બેંકના 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તમામને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં રેપીડ ટેસ્ટ કરતા 1 કલાકમાં 8 કેસ નોંધાયા

કોરોનાની મહામારીએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોનાની મહામારીની સ્થિતિ વિસ્ફોટક બની છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાની ચેઈન તોડવી ખુબ જરૂરી છે. ત્યારે પટેલ સમાજના લોકો આગળ આવ્યાં છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં પટેલ સમાજ દ્વારા આજથી રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી બપોરે 12.30 સુધી નુ:શુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવશે. આજે સવારે 1 કલાકમાં 100થી વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જે દરમિયાન બાળકો સહિત 8 કેસ પોઝિટિવ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here