રાજકોટની કરૃણ ઘટના બાદ સુરતના અલગ અલગ ૯૩ સ્થળોએ આવેલી ૨૮૨ સ્કુલોને સીલ મારવામાં આવી છે. અને હવે સ્કુલ શરૃ થવાના આડે ગણતરીના બે દિવસ મંગળવાર અને બુધવાર જ બાકી રહ્યા છે. ત્યારે આ ગુરૃવારથી શરૃ થતા નવા શૈક્ષણિક વર્ષમાં બે દિવસમાં શાળા સંચાલકો કેવી રીતે પાલિકામાંથી મંજુરી લાવીને સ્કુલો શરૃ કરશે તે એક પ્રશ્ન છે ? સ્કુલ સંચાલકોના પાપે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળા શરૃ થવાના પ્રથમ દિવસે જ ભણતરથી વંચિત રહેશે.રાજકોટની ઘટના બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા જેટલી પણ મિલ્કતોમાં ફાયર સેફટી અને બીયુસી નથી. તેવી મિલ્કતોને સીલ મારવામાં આવી હતી. જેમાં ૩૦૦ થી વધુ સ્કુલોને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી. આ સાથે જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ તપાસ થઇ હતી. જેમાં ૧૦૬ ટીમ દ્વારા તપાસ થઇ હતી.
તપાસ બાદ સુરત શહેરમાં અલગ અલગ ૯૩ કેમ્પસમાં આવેલી ૨૮૨ જેટલી સ્કુલોમાં ફાયર સેફટી અને બીયુસી નહીં હોવાનુ બહાર આવ્યુ હતુ. આ અંગે રિપોર્ટ તૈયાર કર્યા બાદ આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેકટર અને પાલિકા કમિશ્નરને સુપરત કરાશે.આમ પાલિકાની કાર્યવાહી અને જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ બાદ સુરત શહેરની ૨૮૨ સ્કુલોએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને લાલીયાવાડી જ દાખવી હોવાનું જણાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્કુલ શરૃ થવાના બે દિવસ બાકી છે. આ બે દિવસમાં પાલિકામાં જઇને ફાયર કે બીયુસીની પરમીશન કેવી રીતે લાવશે અને કેવી રીતે સ્કુલો શરૃ કરશે તે એક પ્રશ્ન સતાવી રહ્યો છે. ગુરૃવારથી શરૃ થતી સ્કુલોમાં આ ૨૮૨ સ્કુલોમાં ભણતા અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે તેવી સ્થિતિ છે. પ્રથમ દિવસે જ સ્કુલ સીલ હોવાથી ત્યાં જઇને કેવી રીતે ભણશે ? તે પ્રશ્ન શિક્ષકો અને વાલીઓમાં ચર્ચાઇ રહ્યો છે.