પોરબંદરના રાણાવાવમાં 4 કલાકમાં પોણા 3 ઈંચ, ધારીમાં અડધો ઈંચ, પાલિતાણાના આદપુરમાં વીજળી પડતા યુવાનનું મોત

0
47

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસી રહ્યો છે. જેને લઈને મગફળી, કપાસ અને તલ સહિતના પાકોને નુકસાન થઈ રહ્યું છે. આજે ધારીમાં ધોધમાર અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. ઉનાના અંજારમાં એક ખેડૂતની વાડીમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું હતું. ભાવનગરના પાલિતાણા તાલુકાના આદપુર ગામે આવેલા ડુંગર પર વીજળી પડતાપ્રકાશભાઈ પુનાભાઈ મકવાણા નામના યુવાનનું મોત નીપજ્યું છે. ડુંગર ઉપર મજૂરી કામ કરી રહેલા યુવાન પર વીજળી પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવાનને પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોરબંદરના રાણાવાવમાં 4 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાણાવાવમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
(રાણાવાવમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા)

 

રાણાવાવમાં પોણા ત્રણ ઈંચ વરસાદથી બજારો પાણી પાણી બની

પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં આજે બપોરે 12 વાગ્યે શરૂ થયેલા વરસાદે સાંજે 4 વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલુ પાણી વરસાવી દીધું હતું. પોરબંદર જિલ્લામાં આ વખતે ચોમાસાની મોસમ દરમિયાન વરસી રહેલો વરસાદ અધિક મહિનો હોવા છતાં છેક દિવાળી સુધી લંબાઇ રહ્યો હોય તેમ આજે રાણાવાવ શહેરમાં એકાએક વરસાદ વરસવાનું ચાલુ થઇ ગયું હતું. બપોરે 12 વાગ્યે ચાલુ થયેલા વરસાદે સાંજે 4 વાગ્યા સુધીમાં 69 મિમિ વરસાદ વરસાવી દેતા શેહરની બજારો અને રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા.

ગીરગઢડા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ

ગીરગઢડા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તા પરથી પાણી વહેતા કરી દીધા હતા. જ્યારે ગીરગઢડા, ધોકડવા, કાંધી, પડા, બેડીયા, નગડીયા, મોટા સમઢીયાળા, મહોબતપરા, શાંણાવાકીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે ગીર જંગલના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ પડતા નદી, નાળા, ડેમો ફરી છલકાયા હતા. વરસાદના પગલે ખેડૂતોને હાલ ઉભા પાકને વધુ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હોય તેમ હાથમાં આવેલો કોડીયો છીનવાય રહ્યો છે. ઉનાના અંજાર ગામે ધીરૂભાઈ જગાભાઈ બાભણીયાની વાડીમાં નારિયેળીના ઝાડ પર વીજળી પાડતા ઝાડ સળગી ઉઠ્યું હતું. બીજી તરફ તાલાલાના ધાવા, આકોલવાડી, સુરવા, જાબુંર, માધુપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

લાઠી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયાં
(લાઠી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયાં)

 

મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાન

ગીરસોમનાથ જીલ્લાના પડાપાદર, ધોકડવા, શાણાવાકીયા, મોટા સમઢીયાળા તેમજ મહોબતપરામા વરસાદ વરસ્યો હતો. જેથી જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. હાલ મગફળી તથા કપાસના પાક મા વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે અત્યારે ખેડુતો મગફળી કાઢી રહ્યાં હોય છે, તેમજ કપાસની વિણી પણ આવી જવાથી ખેડુતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહ્યુ છે. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોને પોષણસમ ભાવ મળતો નથી ત્યા વરસાદ પડતા પડ્યા માથે પાટુ સમાન સ્થિતિ ઉભી થઈ છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના રાજુલા, ધારી અને બાબરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારીમાં બપોર બાદ અડધો ઈંચ અને રાજુલાના ડુંગર સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટું પડતા રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

પાલિતાણાના આદપુરમાં વીજળી પડતા યુવાનનું મોત
(પાલિતાણાના આદપુરમાં વીજળી પડતા યુવાનનું મોત)

 

ભાવનગર જિલ્લામાં ધીમીધારે વરસાદ

ભાવનગર જિલ્લાના પાલિતાણા અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. પાલિતાણાના ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપર, સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

મહુવા તાલુકામાં વરસાદી ઝાપટાં

મહુવા તાલુકાના કારેલા, બોરડી, સેદરડા, રાજાવદર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં વરસ્યું છે. ખેતરોમાં પાક તૈયાર થવામાં છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદથી મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોને નુકસાન થશે. સાથે જ કપાસના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધશે તે સહિતની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here