વડોદરા : ગ્રામ્ય વિસ્તારોમાં નવા 3 કોવિડ કેર સેન્ટર અને 8 હોસ્પિટલને માન્યતા અપાઇ, વધુ 463 બેડની સુવિધા ઉભી કરાશે

0
0

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. તેમણે ખાસ કરીને વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડની સારવાર મળી રહે અને દર્દીઓને વડોદરા સુધી લાવવા ના પડે તે માટે માન્ય કોવિડ હોસ્પિટલો અને તેમાં ઉપલબ્ધ પથારીઓની સંખ્યામાં અને કોવિડ કેર સેન્ટરો તેમજ તેમાં ઉપલબ્ધ પથારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોવિડ સારવાર સુવિધા અને ક્ષમતા વધારવાના આ આયોજનને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં સાકાર કરી દેવા ખાસ સૂચના આપી હતી.

7 કોવિડ કેર સેન્ટરમાં બેડની સંખ્યા 390 કરાશે

વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપેલી જાણકારી અનુસાર હાલમાં જિલ્લામાં વડોદરા, ડભોઇ, પાદરા અને સાવલી તાલુકામાં પ્રત્યેકમાં એક પ્રમાણે 4 હયાત કોવિડ કેર સેન્ટર છે, જેની બેડ કેપેસિટી 120 છે. વડોદરા જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે હવે કરજણમાં એક, શિનોરમાં 1 અને સાવલીમાં વધુ 1 મળીને કુલ 3 નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવતાં સંખ્યા વધીને 7 થશે. વડોદરા જિલ્લામાં હાલમાં કોવિડ કેર સેન્ટરમાં વડોદરા તાલુકામાં 60, ડભોઇમાં 20, પાદરામાં 15 અને સાવલીમાં 25 મળીને કુલ 120 પથારીની સંખ્યા છે. નવા આયોજન હેઠળ વડોદરા તાલુકામાં હયાત સેન્ટરમાં 40, કરજણના નવા સેન્ટરમાં 30, ડભોઇના હયાત સેન્ટરમાં 80, પાદરાના હયાત સેન્ટરમાં 15, શિનોરમાં નવા સેન્ટરમાં 30 અને સાવલીના નવા સેન્ટરમાં 75 મળીને બેડ કેપેસિટીમાં 270નો વધારો કરવામાં આવશે. આમ ગ્રામ્ય વિસ્તારના 7 કોવિડ કેર સેન્ટરમાં 390(120+270) પથારીઓ ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેરની સુવિધાઓ વધશે.

તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ
(તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ)

 

15 માન્ય હોસ્પિટલમાં બેડની સંખ્યા 393 કરાશે

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કોવિડની સારવાર માટે વડોદરા તાલુકામાં 2, કરજણમાં 2, ડભોઇમાં 1 અને પાદરામાં 3 મળીને કુલ 8 માન્ય હોસ્પિટલો છે. વડોદરા તાલુકામાં 42, કરજણમાં 68, ડભોઇમાં 20, પાદરામાં 70 પથારી મળીને આ માન્ય હોસ્પિટલોમાં બેડ કેપેસીટી 200ની છે અને વિસ્તરણ આયોજન હેઠળ વડોદરા તાલુકામાં 2, કરજણમાં 1, ડભોઇમાં 1, પાદરામાં 1 અને શિનોરમાં 2 મળી કુલ 7 નવી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા મળતા હવે માન્ય હોસ્પિટલોની સંખ્યા વધીને કુલ 15( 8+7) થશે. માન્ય હોસ્પિટલોની બેડ કેપેસિટીમાં વડોદરા તાલુકામાં 60, કરજણમાં 26, ડભોઇમાં 22, પાદરામાં 55 અને શિનોરમાં 30 મળીને 193 નો વધારો થતાં કુલ 393(200+193) બેડ સારવાર માટે ઉપલબ્ધ બનશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં કલેક્ટરની સૂચના પ્રમાણે કોવિડ કેર અને સારવાર સુવિધાના વિસ્તરણની આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે.

હાઇ રિસ્ક વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા ઓપીડી-એન્ટીજન ટેસ્ટ વધારાશે

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મંગળવારે તાલુકા આરોગ્ય અમલદારો અને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રના તબીબી અઘિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડની પરિસ્થિતિ, સારવાર, સુવિધાઓ, ધન્વંતરી રથો દ્વારા થઈ રહેલી કામગીરી, રેપિડ સર્વેના સાતમાં રાઉન્ડ હેઠળ આરોગ્ય કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હોમ આઇસોલેશન મેનેજમેન્ટ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે આરોગ્ય સેતુ એપ પ્રમાણે જિલ્લાના જે વિસ્તારો હાઇરિસ્ક એરિયા તરીકે ઓળખવામાં આવ્યા છે, તે વિસ્તારોમાં ધન્વંતરી રથો દ્વારા ઓપીડી અને એન્ટીજન ટેસ્ટની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ
(વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ)

 

પાદરામાં ફરીથી સુપર સ્પ્રેડર શોધીને ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાશે

આ ઉપરાંત જિલ્લામાં કાર્યરત કોવિડ કેર સેન્ટરો તેમજ સારવાર માટે માન્ય દવાખાનાઓ અને તેના હેઠળ ઉપલબ્ધ પથારીની સંખ્યામાં વધારો કરીને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિસ્તારિત સુવિધા કાર્યરત કરી દેવા જણાવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટરે પાદરા શહેરમાં સુપર સ્પ્રેડરની ઓળખ અને સ્ક્રિનિંગનું અભિયાન વધુ એકવાર હાથ ધરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here