ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ૩૨ ખેલાડીઓની પસંદગી કરાશે, પરિવારને ‘NO ENTRY’

0
0

BCCI ગણતરીના દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમના ૩૨ સભ્યોની જાહેરાત કરે તેવી સંભાવના છે. ભારતીય ટીમ વર્તમાન IPL પૂરી થયા બાદ યુએઇથી સીધી ઓસ્ટ્રેલિયા રવાના થશે જ્યાં તે ટેસ્ટ, વન-ડે તથા ટી૨૦ શ્રેણી રમશે. ત્રણેય ફોર્મેટ માટે કુલ ૩૨ સભ્યોની પસંદગી કરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પહેલાં ત્રણ ટી૨૦ ઇન્ટરનેશનલ તથા ૩ વન-ડે મેચની શ્રેણી રમાશે. આ પ્રવાસ બે મહિનાનો હોવાના કારણે કોઈ ખેલાડીને પ્રવાસની અધવચ્ચેથી ટીમના બાયો-બબલમાં સામેલ કરવો BCCI માટે મુશ્કેલ બનશે.

બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે પસંદગી સમિતિને તેઓ ઇચ્છે તેટલી મોટી ટીમને પસંદ કરી શકે છે તેવો નિર્દેશ કરી દેવામાં આવ્યો છે. અમે ઓસ્ટ્રેલિયાના પૂરા પ્રવાસ માટે બેક-અપ ખેલાડી તૈયાર રાખવા માગીએ છીએ. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો અમારે કોઈ ખેલાડીને ભારતથી મોકલવો પડે તેવી સ્થિતિ ઊભી થાય નહીં તેવું અમે ઇચ્છી રહ્યા છીએ. સહાયક સ્ટાફ સહિત કુલ ૫૦ લોકો ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા એડિલેડ રવાના થશે.

પૂજારા-વિહારી યુએઇમાં પ્રેક્ટિસ કરે છે 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલાં મર્યાદિત ઓવર્સની શ્રેણી રમાવાની છે. આ સ્થિતિમાં જે ખેલાડીઓ ટેસ્ટ ટીમના સભ્ય નહીં હોય તેમને વતન પરત મોકલી દેવામાં આવશે. ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી આઇપીએલની ૧૩મી સિઝનનો હિસ્સો નથી પરંતુ બંને હાલમાં યુએઇ છે અને ત્યાં જ તેમના માટે બીસીસીઆઇએ વિશેષ પ્રેક્ટિસ મેચ તથા નેટ્સની વ્યવસ્થા કરી છે.

પરિવાર ખેલાડી સાથે જઈ શકશે નહીં 

IPLની ૧૩મી સિઝનમાં BCCIએ ખેલાડીઓને તેમના પરિવાર સાથે લાવવા કે નહીં તેનો નિર્ણય ફ્રેન્ચાઇઝી ટીમો ઉપર છોડયો હતો. આ સ્થિતિમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ઘણાં ક્રિકેટર્સની પત્ની તથા ગર્લફ્રેન્ડ હાલમાં યુએઇમાં છે. જોકે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે BCCIએ ભારતીય ક્રિકેટર્સને તેમના પરિવાર સાથે જવાની મંજૂરી આપી નથી. હાલમાં યુએઇ રહેલા પ્લેયર્સના પરિવારને IPL પૂરી થયા બાદ વતન પરત ફરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here