સુરત : કતારગામમાં હીરાના કારખાનામાં 3 પોઝિટિવ કેસ મળતા મનપા દ્વારા સીલ કરાયું

0
5

શહેરમાં થોડા દિવસો કોરોનાના કેસમાં ઘટાડો થયાં બાદ હવે ફરીથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હીરા કારખાનાઓમાં પણ કેસમાં વધારો થતા સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં 3 પોઝિટિવ કેસ મળતા મનપા દ્વારા સીલ મારવામાં આવ્યું છે.

સૂર્યવંદના બિલ્ડીંગના હીરાના કારખાનામાં 3 પોઝિટિવ આવ્યા

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,989 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 912 થયો છે. જ્યારે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 24,550 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લા મળી કુલ 2530 એક્ટિવ કેસ છે. છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કતારગામ વિસ્તારમાં આવેલા સૂર્યવંદના બિલ્ડીંગના હીરાના કારખાનામાં 3 પોઝિટિવ કેસ મળતા મનપા દ્વારા સીલ મારવામાં આવ્યું છે. આજ બિલ્ડીંગમાં અન્ય કારખાના માલિકને સોશિયલ ડિસ્ટન્સના અભાવને લઈ 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કન્ટેઈનમેન્ટના નિયમનું કડકાઈથી પાલન કરાવવા માટે સૂચના

રાંદેર અને અડાજણ સાથે કતારગામ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે તે વિસ્તારમાંથી અને પોઝિટિવ વ્યક્તિના ઘરની આસપાસથી લોકો નોકરી ધંધા અર્થે જઈ રહ્યાં છે અને તેઓ અન્ય લોકોને પણ સંક્રમિત કરી રહ્યાં છે. જેના કારણે આવા વિસ્તારમાં લોકોની અવર જવર નિયંત્રિત કરવા તથા કન્ટેઈનમેન્ટના નિયમનું કડકાઈથી પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યાં સંક્રમણ વધી રહ્યું છે ત્યાં કન્ટેઈનમેન્ટની ગાઈડ લાઈનનો કડકાઈથી અમલ કરવા સાથે માસ્કનો ઉપયોગ લોકો ન કરતાં હોય તો દંડની વસૂલાત કરવા સાથે લોકોને માસ્ક વિતરણની કામગીરી માટે પણ સૂચના આપવામાં આવી છે.

બેરીકેડિંગ કરવા સાથે લોકોમાં વધુ જાગૃતિ લાવવા પ્રયાસ

શહેરના જે વિસ્તારમાં વધુ કેસ આવી રહ્યાં છે તે વિસ્તારમાં ધન્વન્તરી રથ દ્વારા વધુમાં વધુ ચેકીંગ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવે છે તે વિસ્તારમાં બેરીકેડિંગ કરવા સાથે લોકોમાં વધુ જાગૃતિ આવે તે મુજબની કામગીરી કરવામાં સાથે કોમ્બીંગની કામગીરી પણ કરવામાં આવશે. પાલિકા કમિશનરે તમામ ઝોનમાં જ્યાં પોઝિટિવ કેસ આવતાં હોય તે વિસ્તારમાં કોવિડની કામગીરી વધુ સઘન બનાવવા માટે સૂચના આપી છે.