રાજકોટ : 12 હજારમાં ગર્ભ પરીક્ષણ અને 20 હજારમાં ગર્ભપાત કરાવતા 3 ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કર્યો

0
0

રાજકોટના મવડી વિસ્તારમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. 12 હજારમાં પરીક્ષણ અને 20 હજારમાં ગર્ભપાત કરાવી આપવાની વ્યવસ્થા ગોઠવી આપતા હતા. રાજકોટ SOG દ્વારા ત્રણ શખ્સો સાથે મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં એક પણ વ્યક્તિ પાસે મેડિકલ ડિગ્રી ન હોવાનું ખુલ્યું છે. દીકરી હોય તો ગર્ભપાત કરાવી આપતા હતા.

દીકરી હોય તો ગર્ભપાત કરાવી દેવાની પણ વ્યવસ્થા કરી આપતા

રાજકોટના મવડી મેઈન રોડ પર બાપાસીતારામ ચોકથી આગળ આવેલા હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટર નામના ક્લિનિકમાં અમીત રાજપુત, દિનેશ રાજપુત અને અવેશ પીંજારા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી રહ્યા હતા. જાતિ પરીક્ષણ બાદ જો દીકરી હોય તો ગર્ભપાતની પણ વ્યવસ્થા કરાવી આપતા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે SOGએ આજે દરોડા પાડ્યા હતા.

પોલીસે સોનોગ્રાફી મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
(પોલીસે સોનોગ્રાફી મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો)

 

ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કર્યો

હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટર ખાતે પોલીસ મિત્ર મુક્તાબેન અને તેના પતિ મહેશભાઈ મુંધવાને ડમી ગ્રાહક બનાવી મુક્તાબેનને સોનોગ્રાફી મશીન દ્વારા દીકરો કે દીકરીનું જાતીય પરીક્ષણ માટે મોકલ્યા હતા. બાદમાં જાતિ પરીક્ષણના 12 હજાર અને ગર્ભપાતના 20 હજાર લેતા હોવાનું ખુલ્યું હતું. બાદમાં દરોડા દરમિયાન આ ક્લિનિક અમિત રાજપુત ચલાવતો હોવાનું ખુલ્યું હતું.

પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ પોલીસે અવેશ અને દિનેશ પાસેથી EDAN કંપનીનું સોનોગ્રાફી મશીન, તેમાં ઉપયોગમાં લેવાતી જેલની 2 બોટલ, ત્રણ મોબાઈલ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ પી.સી. એન્ડ પી.ટી. એક્ટ 1994ની કલમ 3, 4, 6, 18 તથા નિયમ 3, 4, 6 તથા ઈ.પી.કો. કલમ 315, 511 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ક્લિનિક અમિત ચલાવતો હતો અને એક પણ પાસે મેડિકલ ડિગ્રી નથી
(ક્લિનિક અમિત ચલાવતો હતો અને એક પણ પાસે મેડિકલ ડિગ્રી નથી)

 

બે વર્ષ પહેલા પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો હતો

રાજકોટમાં અનેક સ્થળોએ ગેરકાયદે ગર્ભ પરીક્ષણના ગોરખધંધા ચાલે છે ત્યારે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે બે વર્ષ પહેલા સરદારનગર 18માં આવેલા કિરો એક્સ-રે એન્ડ સોનોગ્રાફી સેન્ટરમાં સ્ટિંગ ઓપરેશન કરી ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરનો પર્દાફાશ કર્યો હતો. ડોક્ટર સુધી સગર્ભાઓને લઇ જનાર બે મહિલા દલાલ પણ દબોચાઇ ગઇ હતી. સગર્ભાઓ પાસેથી રૂ.30 હજાર જેટલી તોતિંગ ફી વસૂલી ગેરકાયદે પરીક્ષણ કરવામાં આવતું હોવાનો ધડાકો થતાં પોલીસે ડો.જી.એલ.પટેલ, સુમિતાબા કમલેશસિંહ સરવૈયા અને લીલાબેન કાંતિલાલ સોલંકી સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. પરીક્ષણમાં પુત્રી હોવાનું ખૂલે તો ગર્ભપાત કરાવી દેવાની પણ આરોપીઓએ ખાતરી આપી હતી. પોલીસે સેન્ટરમાંથી બે સોનોગ્રાફી મશીન પણ જપ્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here