અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ રોગચાળામાં ખૂબ જ વધારો થયો છે. વાઇરલ ઈન્ફેક્શન, પાણીજન્ય અને મચ્છરજન્ય તમામ પ્રકારના રોગો વધ્યા છે.ચાલુ ઓગસ્ટ મહિનામાં 13 દિવસમાં સ્વાઈન ફ્લૂના 336 જેટલા કેસો નોંધાયા છે. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો છે. 0થી 15 વર્ષ સુધીના 95 બાળકોમાં સ્વાઇન ફ્લુના ભોગ બન્યા છે. અમદાવાદમાં માત્ર સ્વાઈન ફ્લૂ જ નહીં પરંતુ કોલેરાના કેસોમાં પણ વધારો થયો છે. એક જ અઠવાડિયામાં નવ જેટલા કેસો શહેરના વિવિધ વિસ્તારમાં કોલેરાના નોંધાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે ચાલુ ઓગસ્ટ મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કોલેરાના કેસો નોંધાયા છે. 13 ઓગસ્ટ સુધીમાં ઝાડા ઉલટીના 521, કમળાના 109, ટાઇફોઇડના 172 અને કોલેરાના 09 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 79, ડેન્ગ્યુ 76, ચિકનગુનિયાના 11 અને ઝેરી મેલેરિયા 08 કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કેસો ચાલુ ઓગસ્ટ મહિનામાં 336 જેટલા નોંધાયા છે. શહેરમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને સ્વાઈન ફ્લૂનો જોવા મળી રહ્યો છે. વાઇરલ ઈન્ફેક્શન અત્યારે ખૂબ જ વધ્યા છે સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્યા છે.
પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રોગોનો વધારો થયો છે.જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ઓગસ્ટ મહિનામાં 510 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 32 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.