વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 35 દિવસનું શટડાઉન ખતમ કરવાની જાહેરાત કરી છે. અમેરિકન ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી હડતાલ માનવામાં આવે છે. આ હડતાલને ખતમ કરવા માટે ટ્રમ્પે અમેરિકન સાંસદો સાથે ત્રણ સપ્તાહની સમજૂતી કરી છે. હવે 8 લાખ સરકારી કર્મચારી ફરી કામ પર પરત આવ્યા છે.22 ડિસેમ્બરથી ફેડરલ કર્મચારી આંશિક હડતાળ પર જતા રહ્યા હતા.
અમેરિકન્સની સુરક્ષાને મહત્વ આપ્યું
ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, હું એ જાહેરાત કરતાં ખુશ છું કે, આજે શટડાઉન ખતમ કરીને સરકારે કામ પર પરત ફરવા માટે સમજૂતી કરી લીધી છે. 35 દિવસની દલીલો અને ચર્ચા પછી મેં આજે વિપક્ષી અને મારી પાર્ટીના સાંસદોને સાંભળ્યા કે તેમણે તેમના અંગત મતભેદો એકબાજુ રાખીને અમેરિકનોની સુરક્ષાને મહત્વ આપ્યું છે.
મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે અમેરિકન સંસદ પાસેથી ફંડ ન મળ્યા પછી 22 ડિસેમ્બરે અમેરિકન સરકારના આંશિક કર્મચારીઓ શટડાઉન પર જતા રહ્યા હતા.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું ટૂંક સમયમાં જ 15 ફેબ્રુઆરી સુધી સરકારી કામકાજ શરૂ કરવા માટે બિલ પર હસ્તાક્ષર કરુ છું. જોકે તેમણે કહ્યું કે, કોંગ્રેસથી ઉચિત શરતો પર સમજૂતી નહીં થાય તો કામકાજ ફરી બંધ થઈ શકે છે. પછી ફરી આ સ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિને મળેલા અધિકારોનો ઉપયોગ કરી શકાય છે.
દિવાલ વિશે કોઈ સમજૂતી નહીં- ટ્રમ્પ
ટ્રમ્પે ફરી એકવાર દિવાલ બનાવવાની વાત પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ ભલે આંશિક સરકારી બંધને સમાપ્ત કરવા માટે સહમત થયા હોય પરંતુ દિવાલ વિશે કોઈ સમજૂતી થશે નહીં. મને આશા છે કે, લોકો દિવાલ વિશેના મારા વિચારોને સાંભળશે અને વાંચશે.
ટ્રમ્પની નીતિ દેશ માટે યોગ્ય નથી
ડેમોક્રેટ્સે પ્રોજેક્ટ માટે 5 બિલિયન ડોલર (અંદાજે 35 હજાર કરોડ) આપવાની મનાઈ ફરમાવી છે. વિપક્ષનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની કડક નીતિઓ દેશ માટે યોગ્ય નથી. ડેમોક્રેટ્સે કહ્યું કે, સરકારને ત્યાં સુધી રકમ ન આપી શકાય જ્યાં સુધી તેમને પૈસા ન મળી જાય.