કોરોના ઈન્ડિયા : દેશમાં અત્યાર સુધી 36.94 લાખ કેસ : મૃત્યુદર 0.22 ટકા ઘટીને 1.77 ટકા પર પહોંચ્યો, 7 રાજ્યોમાં તે 2 ટકાથી ઓછો.

0
4

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 36 લાખ 94 હજાર 878 થઇ ગઇ છે. રાહતની વાત એ છે કે તેમાંથી 28 લાખ 40 હજાર 40 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 7 લાખ 88 હજાર 781 દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. સંક્રમણના લીધે અત્યાર સુધી 65 હજાર 469 લોકોના મોત થયા છે. દેશમાં મરનારાઓની સંખ્યા ભલે વધી હોય પરંતુ મૃત્યુદરમાં લગાતાર ઘટાડો થઇ રહ્યો છે.

રાજ્યના આંકડાઓ અનુસાર મૃત્યુદર જોઇએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3.1 ટકા છે. તે સિવાય સાત અન્ય રાજ્ય એવા છે જ્યાં 2 ટકાથી ઓછો મૃત્યુદર છે. તેમાં તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર અને અસમ સામેલ છે.

સારા સમાચાર: ટૂંક સમયમાં દેશમાં વધુ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામા આવશે

લોકોની અવરજવર સરળ બનાવવા માટે રેલવે મંત્રાલય વધુ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. મંત્રાલયના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે તેના માટે રાજ્ય સરકારો પાસેથી સલાહ લેવામા આવી રહી છે. અત્યારે દેશમાં 230 સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામા આવે છે. આગળ કેટલી ટ્રેનો ચલાવવામા આવશે તે રાજ્યોની માંગ પર નિર્ભર કરશે.

દિલ્હી હાઈકોર્ટની પાંચ બેન્ચોએ મંગળવારે વારાફરતી કોર્ટમાં સુનાવણી શરૂ કરી દીધી છે. કોરોના મહામારીના કારણે સુપ્રીમ કોર્ટે 6 એપ્રિલે સમગ્ર દેશમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ તમિલનાડુના મીનાક્ષી અમ્મન મંદિરને પણ 165 દિવસ પછી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. અહીં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

કોરોના અપડેટ્સ

  • અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. તેઓ કોરોનાથી સંક્રમિત છે. સોમવારે રાતે અચાનક ઓક્સીજન લેવલ ઘટવાને કારણે તેમને જીએમસીએચ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ડોક્ટર્સે તેમને એક યુનિટ પ્લાઝમા અને ઓક્સીજન સપોર્ટ પર રાખવાનો નિર્ણય લીધો છે.
  • પંજાબ સરકારે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી લોકડાઉનના પ્રતિબંધોને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાંજે 7થી સવારે 5 વાગ્યા સુધી શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ પણ ચાલુ રહેશે. આ સિવાય 167 મ્યુનિસિપલ ટાઉનમાં વીકેન્ડ લોકડાઉન પણ ચાલુ રહેશે.
  • પશ્ચિમ બંગાળમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે મેટ્રો સર્વિસ આઠ સપ્ટેમ્બરથી ફેઝવાઈઝ શરૂ કરવામાં આવશે. સ્કૂલ-કોલેજ 30 સપ્ટેમ્બર સુધી ખુલશે નહિ. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક અને થિએટર બંધ રહેશે.
  • ઈન્ટરનેશનલ ઉડાનોને લઈને ડીજીસીએ કહ્યું કે ભારતથી અને ભારત માટેની શિડ્યુલ ઈન્ટરનેશનલ ફલાઈટ્સ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હવે 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. ઈન્ટરનેશનલ ફલાઈટ્સને 23 માર્ચથી બંધ કરવામાં આવી છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં વંદે ભારત મિશન અંતર્ગત એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ચાલી રહી છે.
  • દિલ્હી હાઈકોર્ટે રાજધાનીમાં બહારથી આવનારા લોકોનો કોરોના ટેસ્ટ માટે બસ સ્ટેશન પર સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે. આ સુવિધા દિલ્હી સરકારે 7 દિવસની અંદર શરૂ કરવાની રહેશે.

પાંચ રાજ્યોની સ્થિતિ

1. મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એક દિવસમાં 1532 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પછી કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 63 હજાર 965 થયો છે. તેમાં 13 હજાર 914 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. 48 હજાર 657 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1394 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 20 લોકોના મોત થયા છે. જેમાંથી ઈન્દોરમાં 4, ભોપાલમાં 5, ગ્વાલિયર-જબલપુર ખરગૌનમાં 2-2 લોકોના મોત થયા છે.

2. રાજસ્થાન

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1466 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તે પછી કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 81 હજાર 693 થયો છે. 13 લોકોના મોત થયા છે. તેમાં જયપુરમાં 2, ધૌલપુર, ગંગાનગર, જેસલમેર, જોધપુર, કોટો, નાગૌર, રાજસમંદ, ઉદયપુર, અજમેર, બીકાનેર અને ટોકમાં 1-1 લોકોના મોત થયા છે. જયપુરના સાંગનેરમાં ભાજપના ધારાસભ્ય અશોક લાહોટી અને જયપુરના પૂર્વ મેયર જ્યોતિ ખંડેલવાલ પણ સંક્રમિત થયા છે.

3. બિહાર
છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1,324 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 36 હજાર 337 થઈ છે. તેમાંથી 1 લાખ 19 હજાર 572 લોકો સાજા થયા છે. જ્યારે 694 દર્દીઓના મોત થયા છે.

4. મહારાષ્ટ્ર
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 852 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 11 હજાર 158 રિકવર થયા અને 184 લોકોના મોત થયા છે. રાજ્યમાં હવે 1 લાખ 94 હજાર 56 દર્દીઓ એવા છે, જેની હાલ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5 લાખ 73 હજાર 559 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 24 હજાર 583 લોકોએ જીવ ગુમાવ્યા છે.

5. ઉતરપ્રદેશ
રાજ્યના લધુમતિ કલ્યાણ રાજ્યમંત્રી મોહસિન રજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમના સ્ટાફના કેટલાક સાથી સંક્રમિત થયા હતા. પછીથી રાજ્યમંત્રીએ પણ પોતોની તપાસ કરાવી હતી. રજા સરકારી આવાસમાં ક્વોરિન્ટન થયા છે. યોગી સરકારના 10થી વધુ મંત્રી હાલ સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5061 કેસ વધ્યા છે. જ્યારે 67 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 2,30,414 કોરોના સંક્રમિત મળ્યા છે. જ્યારે મોતનો આંકડો 3486 થયો છે. બીજી તરફ 54,788 લોકોની સારવાર ચાલી રહી છે. રાહતના સમાચાર એ છે કે 1,72,140 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે. કુલ એક્ટિવ મામલાઓમાંથી 27,263 લોકો હોમ આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 1,00,682 લોકોએ હોમ આઈસોલેશનનો વિકલ્પ લીધો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here