રાજકોટમાં 37 કેસ-22ના મોત, જામનગરમાં 74 કેસ, સૌ.યુનિ.ના રજિસ્ટ્રાર અને સિન્ડીકેટ સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગોંડલમાં 13 કેસ નોંધાયા

0
4

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યઆંક સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં સારવાર લઈ રહેલા 22 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. 16ના સિવિલમાં અને 6ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ સાથે જ રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 2937 પર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોની અને સિન્ડીકેટ સભ્ય ભાવિન કોઠારી સહિત 37નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં આજે વધુ 74 અને ગોંડલમાં 13 કેસ નોંધાયા છે.

બોટાદ જિલ્લામાં આજે 6 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લામાં આજે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં બોટાદમાં તુરખા રોડ પર 1, રાધેક્રિષ્ના 4માં 1, ગઢડા રોડ પર 1, બરવાળામાં 1, કારીયાણી ગામેથી 1 અને તુરખા ગામેથી 1 પોઝિટિવ કેસ નોધાયો છે. તમામને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગોંડલ તાલુકાના કોલીથડ ગામના વેપારીઓ દ્વારા 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોંડલ તાલુકાનું કોલીથડ ગામ કે જ્યાં 4000ની વસ્તી છે. 8 દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હડમતાળા, લુણીવાવ, બેટાવડ અને ગરનાળાના લોકો કોલીથડ ગામ ખાતે શાકભાજી લેવા આવે છે. જે કારણે કોરોના સંક્રમણ રોકવા કોલીથડ ગામના વેપારીઓ દ્વારા 5 દિવસ સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ નિર્ણયને કોલીથડના સરપંચે પણ આવકાર્યો છે. કોલીથડ ગામમાં શુક્રવારથી 5 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.

રાજકોટના ધારાસભ્યની તબીયત લથડતા કોરોના રિપોર્ટ કરાવે તેવી સંભાવના
રાજકોટના ભાજપના એક ધારાસભ્યની તબીયત લથડી છે. શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાતા કોરોના રિપોર્ટ કરાવે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં રિપોર્ટ કરાવે તેવું જાણવા મળ્યું છે. આ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાજકોટમાં નીકળેલી રેલીમાં પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો કાળો કેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોની અને સિન્ડીકેટ સભ્ય ભાવિન કોઠારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે. જોશીને અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલપતિ સહિત 33 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉપ કુલપતિ વિજય દેસાણીને બાદ કરતા મોટાભાગના અધિકારીઓ સંક્રમિત થયા છે.

ગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરાયા
રાજકોટમાં અત્યાર સુધીમાં 2900 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે 1225 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 22 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. જેમાંથી ખાનગીમાં 6 અને સિવિલમાં 16 દર્દીના મોત નિપજ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here