370 મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરી ભારત માટે ચિંતાજનક

0
24

કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 નાબુદ કરી દેવામાં આવી છે. આ પગલા બાદ પાકિસ્તાન સતત સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રોદણા રોઇ રહ્યું છે. જોકે તેને કોઇ જ સમર્થન નહોતુ મળી રહ્યું કેમ કે અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો તેને સાથ નહોતા આપી રહ્યા પણ 370 નાબુદ થઇ તે બાદ પહેલી વખત હવે ચીને અવળચંડાઇ કરવાનું શરૂ કરી દીધુ છે.

ચીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાશ્મીરના મુદ્દે ચર્ચામાં પાકિસ્તાનને સમર્થન આપ્યું છે તેથી હવે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ફરી વિવાદનો વિષય બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં બંધ બારણે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબુદી મુદ્દે બેઠક યોજાઇ હતી, કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો ભાગ હોવા છતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો જે વિપક્ષની દ્રષ્ટીએ ભારતની કુટનિતીક હાર પણ માનવામાં આવી રહી છે.

જોકે આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન સામેલ નહોતા થઇ શક્યા કેમ કે આ સુરક્ષા પરિષદમાં માત્ર પાંચ કાયમી સભ્ય દેશો અને 10 કામ ચલાઉ સભ્ય દેશો જ ભાગ લઇ શક્યા હતા જેમાં ભારત અને પાકિસ્તાનનો સમાવેશ નથી થતો. ચીન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય હોવાથી અવાર નવાર પાકિસ્તાનનો પક્ષ લઇ ચુક્યું છે,

અગાઉ આતંકી મસૂદ અઝહર મુદ્દે પણ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો પણ અંતે અમેરિકા અને વિશ્વનું દબાણ થતા ઝુક્યું હતું. ચીન ઉપરાંત રશિયા પણ આ બેઠકમાં સામેલ થયું હતું જોકે તેના એમ્બેસેડર ડિમિટ્રી પોલ્યાન્સ્કી બેઠકમાં જોડાય તે પહેલા તેમણે સ્પષ્ટતા કરી દીધી હતી કે આ મામલો ભારત અને પાકિસ્તાનનો છે અને શિમલા કરાર મુજબ તેમાં કોઇ દરમિયાનગીરી ન કરી શકે. આ બેઠક કાશ્મીર અને બન્ને દેશો વચ્ચે હાલ શુ ચાલી રહ્યું છે તેની ચર્ચા કરવા માટે જ યોજવામાં આવી હતી.

પાકિસ્તાને 370 નાબુદી બાદ સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પત્ર લખ્યો હતો, સાથે જ્યારે આ બેઠક યોજાવાની હતી ત્યારે પણ અપીલ કરી હતી કે આ બેઠકમાં અમારા પ્રતિનિિધને પણ જોડાવાની તક આપવામાં આવે જોકે આ માગણીને ફગાવી દેવામાં આવી હતી. જોકે આ બેઠકમાં પાંચેય દેશોના સભ્યો દ્વારા શું રંધાયું તેની કોઇ જ જાણકારી જાહેર કરવામાં નહોતી આવી.

આ બેઠકમાં પાંય દેશો ચીન, રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન જોડાયા હતા. આર્ટિકલ 370 મામલે રશિયાએ ભારતને સાથ આપ્યો છે, જ્યારે અમેરિકા અને અન્ય દેશોએ વાતચીતથી નિરાકરણ લાવવાનું કહ્યું હતું. માત્ર ચીને જ અવળચંડાઇ કરી છે, એવા અહેવાલો છે કે ચીને આર્ટિકલ 370ના ભારતના પગલાનો વિરોધ કર્યો છે જ્યારે રશિયાએ સમર્થન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here