વાપી જીઆઇડીસીમાંથી 397 ગુણ ગેરકાયદેસર ઘઉંનો જથ્થો પકડાયો 

0
4
વાપી જીઆઇડીસીમાંથી 397 ગુણ ગેરકાયદેસર ઘઉંનો જથ્થો પકડાયો 
એક ટ્રક બિલ બિલ્ટી વિનાનો ઘઉંનો જથ્થો લઇ પાર્કિંગમાં ઉભી હતી 
 (કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં સરકારી અનાજના કાળા બજારની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જેના પગલે વલસાડ પુરવઠા વિભાગે ગત મોડી સાંજે વાપી જીઆઇડીસીમાં દરોડો પાડી એક ટ્રકમાંથી કહેવાતા સરકારી ઘઉંનો જથ્થો પકડી પાડ્યો હતો. જોકે, આ જથ્થો કોનો છે તેનો રાઝ હજુ અકબંધ છે. જિલ્લાના અનાજ વેપારીઓ અને કાળાબજારિયાઓમાં ચાલતી ચર્ચા મુજબ આ જથ્થો વલસાડના એક કુખ્યાત કાળા બજારિયાનો હોવાની વાત ચાલી રહી છે.
વાપી જીઆઇડીસીમાં એક ટ્રકમાં ગેરકાયદેસર ઘઉં ભરાયેલા હોવાની માહિતી પુરવઠા વિભાગને મળી હતી. જેના પગલે ઇન્ચાર્જ પુરવઠા અધિકારી બાગુલે વાપીના ઇન્ચાર્જ અને પારડી મામલતદાર એન. સી. પટેલ સાથે મળી દરોડો પાડ્યો હતો. જેમાં તેમણે એક ટ્રક નંબર જીજે-15-એટી-7497 પકડી તેની ચકાસણી કરી હતી. જેમાંથી ઘઉંની 397 ગુણ ઘઉં મળી આવ્યા હતા. આ ઘઉં બાબતે પુછતાં ચાલક કોઇ જવાબ આપી શક્યો ન હતો. તેનું કોઇ બિલ પણ ન હતુ. જેના પગલે અધિકારીઓએ આ ઘઉંનો જથ્થો કબજે કરી તેને સરકારી ગોડાઉનમાં મોકલી આપ્યો હતો. તેમજ ટ્રક પણ કબજે કરી હતી. હાલ મામલતદારના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓએ ચાલકની પુછતાછ હાથ ધરી છે. જોકે, આ ઘઉંનો જથ્થો વલસાડના એક કુખ્યાત કાળા બજારિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વલસાડમાં સરકારી અનાજનો જથ્થો સસ્તા દરની રેશનિંગની દુકાનમાં પહોંચે એ પહેલાં જ આ કાળા બજારિયાઓ તેને ઉડાવી લઇ જાય છે. આવું જ જિલ્લાના અન્ય અનાજના ગોડાઉનમાં ચાલી રહ્યું છે. આ ઘઉં સીધા આટા મિલમાં જાય છે. જિલ્લામાં પણ આવી કેટલીક આટામિલ ધમધમી રહી છે. જેની તપાસ જરૂરી બની છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ