Home અમદાવાદ પ્રાઇવસી પોલિસીને લઈ અમદાવાદની 4 સ્કૂલે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો

પ્રાઇવસી પોલિસીને લઈ અમદાવાદની 4 સ્કૂલે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો

0
1

આંતરિક મેસેજ માટે વ્હોટ્સએપ પર આધાર રાખતી સ્કૂલો હવે નવી પ્રાઈવસી પોલિસીને લઈ વ્હોટ્સએપ છોડવા લાગી છે. અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે વ્હોટ્સએપને બદલે કાયઝાલાનો ઉપયોગ શરૂ કર્યો છે. યુઝર્સ ડેટાની સલામતી અને ગોપનીયતાથી ચિંતિત બનેલી ઉદગમ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલી અમદાવાદની ચાર સ્કૂલે વ્હોટ્સએપ પ્લેટફોર્મને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ કુલ 4 સ્કૂલે વ્હોટ્સએપની તુલનાએ વધુ ઝડપી અને સુરક્ષિત એવી માઇક્રોસોફ્ટ કાયઝાલા મેસેજિંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.

સ્કૂલનાં 243 વ્હોટ્સએપ ગ્રુપ્સ અને 13,700થી વધુ વાલીઓ ઉપયોગ કરતા

વ્હોટ્સએપનો વપરાશ બંધ કરવાના નિર્ણય અંગેની માહિતી આપતાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમારા તાબા હેઠળની ચાર સ્કૂલમાં કુલ અલગ અલગ 243 વોટ્સએપ ગ્રુપ્સ છે, જેનો આશરે 13,700થી વધુ વાલીઓ ઉપયોગ કરે છે. વ્હોટ્સએપે તેની નવી પ્રાઈવસી પોલિસીના માપદંડો સ્વીકારવાનું ફરજિયાત કર્યું છે. વ્હોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુક વિરુદ્ધ પ્રાઈવસી મામલે વિશ્વભરમાં ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, એવા સમયે વ્હોટ્સએપના ગ્રાહકોમાં એની પરનો વિશ્વાસ ઊઠી ગયો છે. અમારા માટે અમારા સ્ટાફ અને વાલીઓની ડેટા પ્રાઈવસી અને સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેથી અમે વ્હોટ્સએપને તિલાંજલિ આપી માઇક્રોસોફ્ટ કાયઝાલામાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. કાયઝાલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાહેરાત પર આધાર રાખતી નથી. તે ડેટાની ગોપનીયતા અને સલામતીની જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપવામાં આવી

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના શિક્ષકો સ્ટાફ, સ્ટાફ મેમ્બર્સ અને વાલીઓને સ્કૂલના સત્તાવાર મેસેજીસ માટે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમને તેમના ડેટાનો બેકઅપ લેવા અને IOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ માઇક્રોસોફ્ટ કાયઝાલા એપ ઈન્સ્ટોલ કરવા જણાવ્યું છે. યુઝર્સને તમામ પ્રક્રિયામાં મદદ કરવા માટે એક્સપર્ટની ટીમ બનાવવામાં આવી છે.

કાયઝાલામાં ગ્રુપમાં સભ્યોની સંખ્યા મામલે કોઈ મર્યાદા નહીં

આ એપના ફીચર્સ અંગે માહિતી આપતાં માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના એજ્યુકેશન એડવોક્સી વિભાગના ડિરેક્ટર ડૉ.વિન્ની જૌહરીએ જણાવ્યું હતું કે, કાયઝાલા ફોન નંબર આધારિત એપ છે. જે વ્યક્તિગત કે ગ્રુપ કોઈપણ પ્રકારના ચેટને એન્ડ ટુ એન એન્ક્રિપ્શન પૂરૂં પાડે છે. તે ચેટિંગ, ફોટો શેરિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એ ખાસ કરીને મોટી કંપનીઓ-સંસ્થાઓને ધ્યાનમાં રાખીને વિકસાવામાં આવી છે. જેથી તેઓ સલામત રીતે પોતાના કર્મચારીઓ ઉપરાંત વેન્ડર્સ, ગ્રાહકો વગેરે સાથે સલામત મેસેજિંગ કરી શકે. કાયઝાલામાં ગ્રુપમાં સભ્યોની સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી. આ ઉપરાંત તે ગ્લોબલ પબ્લિક ગ્રુપ્સની રચના કરવા લોકોને પોતાના ગમતા વિષયો અને શોખ પૂર્ણ કરવામાં મદદ કરે છે.

શિક્ષણ માટે માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ

મનન ચોક્સીએ આગળ કહ્યું હતું કે,ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓનલાઈન શિક્ષણ માટે માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્લેગ્રુપથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્લાસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. 7400થી વધુ બાળકોની સંખ્યા પૈકીના દરેક બાળકને મફતમાં એમએસ ઓફિસ અને 50 જીબી એક્સચેન્જ મેઈલબોક્સની સુવિધા મળે છે. કાયઝાલામાં શિફ્ટ થવાથી વિદ્યાર્થીઓને પણ મદદ મળશે, કારણ કે તેઓ પોતાના ડેસ્કટોપ કે લેપટોપ પર સ્કૂલની નોટિસ જોઈ શકશે અને વાલીઓએ તેમના બાળક માટે અલગ ફોન ખરીદવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત એનાથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રાઈવસી અને ડેટા સુરક્ષિત રહેશે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?

વ્હોટ્સએપ પર નવાં ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીની અપડેટ મળવા લાગી છે. એમાં લખવામાં આવ્યું છે કે યુઝર્સે નવી શરતોનું પાલન કરવું પડશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે. જો યુઝર્સ એને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલિટ થઈ જશે. એના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.

તેમાં લખવામાં આવ્યું છે કે અમારી સર્વિસીઝ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો એને કંપની ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રિબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.

વ્હોટ્સએપ આ નિર્ણય શા માટે લીધો?

આ પોલિસી લાગુ કર્યા બાદ વ્હોટ્સએપ પોતાના 200 કરોડથી વધારે યુઝર્સના ડેટાનો એક્સેસ કરી શકશે અર્થાત કંપની આ ડેટા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશે..નવી પોલિસી મુજબ, વ્હોટ્સએપ યુઝર્સનો ડેટા તેની પેરન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે અર્થાત વ્હોટ્સએપ પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરી પૈસા કમાઈ શકે છે.

યુઝર પર પોલિસીની શું અસર થશે?

આ નક્કી થઈ ગયું છે કે જો તમે વ્હોટ્સએપ યુઝ કરો છો તો આ પોલિસી એગ્રી કરવી પડશે, એટલે કે ના ઇચ્છતા પણ તમારે વ્હોટ્સએપની પ્રાઈવસી કંપનીને શેર કરવી પડશે. વ્હોટ્સએપ તમારા ડેટા પર નજર રાખશે અને તમારી પ્રાઈવસી નહિ રહે. આ વાતને સમજીએ…

Live Scores Powered by Cn24news