પાટણ : રાધનપુરના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.ચાર લાખ પડાવવા માંગતા દંપતી સહિત 4 પકડાયા

0
58

પાટણ: હની ટ્રેપમાં ફસાવી રાધનપુરના એક વેપારી પાસેથી રુ. 50 લાખ માંગી 4 લાખમાં પતાવટ કરવા મામલે પાટણ પોલીસે પતિ પત્ની સહિત અન્ય બે આરોપીને ઝડપી લીધા હતા. મહિલાએ રસ્તા પર ઉભા રહી કારમાં જઈ રહેલા વેપારીથી લિફ્ટ માંગી હતી. જે તેમને ભારે પડી હતી. નક્કી મોડસ ઓપરેન્ડી મુજબ વેપારીએ કાર રોકતા બીજી કારમાં આવેલા મહિલાના પતિ અને અન્ય બે આરોપીઓએ વેપારીનો મહિલા સાથેનો વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી 4 લાખની રકમ નક્કી કરી જવા દીધો હતો. વેપારીએ હિંમત કરી પોલીસને જાણ કરતા હની ટ્રેપનો આરોપીઓ ઝડપાયા હતા.

રાધનપુરના ગંજ બજારમાં પેઢી ધરાવતા વેપારી પ્રવિણભાઈ સેમાભાઇ ચૌધરી 21 જાન્યુઆરીએ ગાડી લઇ ધિણોજ કામ અર્થે જવા નીકળ્યા હતા. તેઓ બપોરના સમયે હારિજથી મહેસાણા હાઇવે પર પસાર થતા હારિજ સબરી પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે મહિલાએ હાથ ઊંચો કરતાં તેમણે ગાડી ઉભી રાખતાં તેણીએ કંબોઇ ગામ સુધી લઇ જવા વિનંતી કરતાં લિફ્ટ આપી હતી. કંબોઇ પહોંચતાં મહિલાએ તેનો દીકરો બીમાર છે અને કેનાલના રસ્તે થોડે દૂરજ રહેતી હોઇ ત્યાં ઉતારવાનું કહેતા તેઓ થોડે દૂર જતા પાછળથી જીજે -02 -સીજી -2661 નંબરની સ્વીફ્ટમાં આવેલા મહિલાના પતિ સહિત બે સાગરીતોએ ગાડી ઉભી રખાવી અપહરણ કરી બળજબરીથી મહિલા સાથેનો વિડીયો ઉતારી બદનામ કરવા ધમકી આપી રૂ. 50 લાખની માગણી કરી 4 લાખ નક્કી કરી વેપારીને જવા દીધો હતો. બીજા દિવસે એક આરોપી દ્વારા વારંવાર ખોટું નામ આપી પૈસાની ઉઘરાણી કરતા વેપારીએ હારીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે આરોપીઓની સ્વીફ્ટ કાર નંબર આપતાં હારિજ પોલીસે પાટણ એલસીબીનો સંપર્ક કરતાં ગાડી અને મોબાઈલ નંબર આધારે તપાસ હાથ ધરી હનીટ્રેપના આરોપી પતિ -પત્ની અને બંને સાગરીતોને પકડી પાડ્યા હતા.

આ રીતે વેપારીને ઝાંસામાં લીધો હતો

વોન્ટેડ મહિલા જ્યોત્સનાબેન કનુજી ઠાકોર રહે.માંસા, હારિજ : વેપારીને અગાઉથી નક્કી કરેલ પ્લાન મુજબ દીકરો બીમાર હોવાનું નાટક કરી હારિજ પાસે ગાડીને ઉભી રખાવી કંબોઇ નર્મદા કેનાલ સુધી લઇ આવવા માટે ઝાંસામાં ફસાવ્યો.

પતિ કનુજી ચમનજી ઠાકોર, સાગરીત ભરતસિંહ શિવુભા રામસંગજી રહે. થરા હાલ.પાટણ અને ભીખાજી પોપટજી ઠાકોર વામૈયા હાલ રહે. પાટણ ત્રણેયે સ્વીફ્ટમાં આવી અપહરણ કર્યું

ત્રણેય ઈસમોએ માંસા ગામના મંદિરે લઇ જઇ વેપારીને મારમારી પતિ કનુજીએ ડરાવી ધમકાવી પત્ની સાથે બેસાડી વિડીયો બનાવ્યો હતો. પકડાયેલમહિલાએ 2019માં રાધનપુરના 1 વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનું કબુલ્યું હતું તેવું એલસીબી પીઆઇ કે.જે.ધડુકે જણાવ્યું હતું.

રાધનપુરની ઘટનામાં નામ ખુલ્યું,4 આરોપી નાસતા ફરે છે

રાધનપુરમાં જયઅંબે રેફ્રીજરેટર દુકાન ચલાવતા જગદીશભાઇ અમુલખભાઇ પંચાલ ગત 7 જૂને બપોરે બાઇકમાં પેટ્રોલ પુરાવવા ભાભર ત્રણ રસ્તા પાસે ગયા હતા ત્યારે અજાણી 40 વર્ષની મહિલાએ વિનંતી કરતાં સીનાડ પાસેના ખેતરે મુકવા ગયા હતા ત્યારે ત્રણ જણાએ ધસી આવી અહિં નાગાઇ કરવા કેમ આવ્યો છે તેમ કહીને મોબાઇલમા વીડીયો ઉતારી 10 લાખ રૂપિયાની માંગણી કરી બે વખતમાં 6 લાખ પડાવ્યા હતા. પાછળથી વધુ 3 લાખ લઇ આવવા કહીને મારપીટ કરી હતી. આ કેસમાં કાંકરેજના તાંતીયાણાના બલા ભલા રબારી, અલ્પેશ અમરત ઠાકોર અને કોલાપુરના જામા મુમા રબારીને પકડી પાડ્યા હતા.જ્યારે માલજી મગન રબારી, શંકર કરશન રબારી, માદેવ દેવા રબારી અને જાડી નામની મહિલાને પકડવાના બાકી હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here