અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી ઓડિશાથી અમદાવાદ લાવવામાં આવતો 400 કિલો ગાંજો ઝડપાયો

0
6

(ગાંજો ઉતારી રહેલી SOGની ટીમ)

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલના મીરજાપુર ગામ પાસે હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ખેડા SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે 400 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપી તન્વીર હુસૈનની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા છે. આ ગાંજો ઓડિશાના કટકથી અમદાવાદ મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદથી 30 કિલોમીટર દૂર અન્ય શખ્સ ટ્રક લેવા આવવાના હતા જેથી હોટલ પર ટ્રક પાર્ક કરવામાં આવી હતી. ખેડા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે.

મહાકાળી હોટલના પાર્કિંગમાં એક ટ્રકમાં ગાંજો હોવાની બાતમી મળી હતી

ખેડા SOG પોલીસને બાતમી મળી હતી કે કઠલાલના મીરજાપુર ગામ પાસે મહાકાળી હોટલના પાર્કિંગમાં એક ટ્રકમાં ગાંજો ભરેલો છે. જે બાતમીના આધારે ખેડા SOGની ટીમે દરોડો પાડી ડ્રાઇવર તન્વીર હુસૈનને ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં તપાસ કરતા મિણીયાંના થેલા પાછળ 22 જેટલા પાર્સલ મળી આવ્યા હતાં. જે બાબતે પૂછપરછ કરતા પોતાના ભાઈ જાબીર હુસૈન અને ડ્રાઇવર દિનેશ સાથે ટ્રક માલિક જાવેદ હુસૈનના કહેવાથી ફિરોઝબાદથી કાચના ગ્લાસ ભરી કટક ગયા હતા અને ત્યાંથી ભાઈના કહેવાથી ઓડિશાના આસ્કા ગયા હતા.

(આ ટ્રકમાંથી ગાંજો ઝડપાયો)

ભાઈ અને ડ્રાઈવર દિનેશ ક્યાંક જતા રહ્યાં પોતે ઝડપાઈ ગયો

જાવેદહુસૈનના કહેવાથી સંતોષ નામનો વ્યક્તિ મળ્યો હતો. તેણે કહ્યું હતું કે બીજા દિવસે બે માણસ આવશે તેને ટ્રક આપજે જેથી આવેલા બે શખ્સને ટ્રક આપ્યો હતો. 3 ઓગસ્ટના રોજ સવારે માલ ભરીને ટ્રક આવતા સંતોષે કહ્યું હતું કે આ માલ ગુજરાત અમદાવાદ લઈ જવાનો છે અને અમદાવાદથી 30 કિલોમીટર દૂર હોટલ પર ટ્રક ઉભો રાખી દેજે અને અન્ય કોઈને ટ્રક લેવા મોકલી આપીશ. જેથી ટ્રક અહીં ઉભો રાખી દીધો હતો. જેની રાહ જોતા હતા દરમ્યાનમાં ભાઈ અને દિનેશ ક્યાંક જતા રહ્યાં હતાં. ખેડા પોલીસે કુલ 8 લોકો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.