દશેરાના શુભમુહૂર્તમાં મહેસાણામાં નવા 400 ટુવ્હીલર, 100 ગાડીઓનું વેચાણ થયું

0
6

કોરોના સંક્રમણ અને લોકડાઉનથી ન્યૂટ્રલ ગિયરમાં આવી ગયેલું ઓટોમોબાઇલ સેક્ટર દશેરાના શુભ મુહૂર્તમાં ટુવ્હીલર અને ફોર વ્હીલરની ખરીદીથી ફરી ટોપ ગિયરમાં આવ્યું છે. શો રૂમોમાં લોન અને હપ્તા પદ્ધતિની સ્કીમને લઇ મહેસાણા શહેરમાં નવા 400થી વધુ ટુ વ્હીલરો અને 100 જેટલી ગાડીઓની ખરીદી થઇ છે.

રવિવારે શો રૂમ વાહન ખરીદીથી ધમધમતા જોવા મળ્યા હતા. ઓટો ડીલર ફર્મના ભાવેશભાઇ પટેલે કહ્યું કે, લોકડાઉનમાં મંદુ ઓટોમોબાઇલ સેક્ટર દશેરાએ રિકવર મોડમાં આવ્યું છે. આજે નવી 70 ગાડીની ડિલિવરી થઇ, માલ શોર્ટેઝમાં 30ના આજના બુકિંગ વેઇટિંગમાં રહ્યા છે. અન્ય એક ડીલર અમિત યાદવે કહ્યું કે, ગત મહિનાના 25 બુકિંગ હતા, તેમણે દશેરાના મુહૂર્તમાં નવી ગાડી ખરીદી છે. રનિંગ મોડમાં દશેરાએ ખરીદીનો માહોલ રહ્યો છે.

ટુવ્હીલરના ડીલર જયેશભાઇ પટેલે ખરીદી અંગે જણાવ્યું કે, નોર્મલ કરતાં દશેરાએ એકટીવા, બાઇક ખરીદીનું પ્રમાણ વધુ રહ્યું છેે. વાહન ખરીદી લોકડાઉન પછી હવે રનિંગ થઇ છે. દશેરાએ 200 ગાડીની ખરીદી થઇ છે.

ગત વર્ષથી ઓટોમોબાઇલ સેક્ટરમાં 50%નો સુધારો

ડીલર સંજયભાઇ જોશીએ કહ્યું કે, ગત વર્ષ કરતાં દશેરાએ ઓટોમોબાઇલ સેક્ટર માર્કેટમાં 50 ટકાનો સુધારો આવ્યો છે. શો રૂમથી 105 ટુવ્હીલર વેચાયા છે. ગત વર્ષ કરતાં આ વખતની સિઝન 25 ટકા ડાઉન છે પણ લોકડાઉન પછી રનિંગમાં દશેરાએ માર્કેટમાં સુધારો આવ્યો છે. જ્યારે નિશાંત પટેલે કહ્યું કે, લોકડાઉન પછી દશેરાએ વાહન ખરીદીમાં 30 ટકા ઉછાળો આવતાં માર્કેટ એકંદરે સારું રહ્યું છે.