મહેસાણા : રૂ.3150માં વર્ષે 12 હજારનું મફત પેટ્રોલ મેળવવાની લ્હાયમાં 4200 લોકો છેતરાયા,

0
0

મહેસાણા: પબ્લિક ઓટો કલબના નામે રૂ.3150 ભરી રૂ.12 હજારનું પેટ્રોલ-ડીઝલ આપવાની લોભામણી સ્કીમમાં 4200 સભાસદોને દોઢ કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવી ઉઠમણું કરવાની તૈયારીમાં રહેલા બે ઠગો સામે ગુજરાતમાં સૌપ્રથમ વખત જિલ્લા કક્ષાએ પોલીસ ખુદ ફરિયાદી બની છે. 400 ટકા વળતરની લાલચ આપી 50 લાખ ગ્રાહકો બનાવી રૂ.150 કરોડ ભેગા કરવાના ટાર્ગેટ સાથે સક્રિય બનેલા બંને ઠગોના બે બેંક એકાઉન્ટ અને 3 ઓફિસો પોલીસે સીલ કરી હતી. જેમાં બહુચરાજીની કોર્પોરેશન બેંકના એકાઉન્ટમાં રૂ.85 લાખ જમા બોલે છે. જ્યારે સર્વોદય બેંકમાં તપાસ ચાલુ છે.

ગુજરાતમાં મલ્ટી લેવલ માર્કેટિંગમાં પોલીસ ફરિયાદી બની હોય તેવો પ્રથમ કેસ
પબ્લિક ઓટો કલબની લોભામણી લાલચ આપી ગ્રાહકોને છેતરવાનો ખેલ ચાલી રહ્યાની એસપી નિલેશ જાજડિયાને માહિતી મળતાં સાયબર સેલ પીએસઆઇ સી.વી. નાયકને તપાસ કરવા સૂચના આપી હતી. જેમાં મહેસાણામાં વાઇડ એંગલ પાસે બાલાજી કોમ્પલેક્ષમાં દુકાન નં.એફઇ 42 અને 43માં તેમજ બહુચરાજીમાં કે.ડી. પ્લાઝામાં ચાલતી ઓફિસમાં તપાસ કરતાં ઠગાઇનો ચોંકાવનારો મામલો ખુલ્યો હતો. જેમાં ભાઇલાલ ગણપતભાઇ પટેલ (રહે. વિંઝુવાડા, તા.માંડલ) અને હાર્દિક અમરતભાઇ પટેલ (રહે. પ્રતાપનગર, તા. બહુચરાજી)એ ભેગા મળી રૂ.3150 ભરી સભાસદ બનનારને રોજ રૂ.50ના હિસાબે દર મહિને રૂ.એક હજારનું પેટ્રોલ, ડીઝલ કે ગેસ ભરાવી આપવાની જાહેરાત કરી 4200 જેટલા સભાસદો બનાવી ઉઠમણું કરવાની તૈયારીમાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે પીએસઆઇ સી.વી. નાયકે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં બંને ઠગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

12.5 ટકાથી વધુ વળતર આપવાની વાતમાં લોકોએ સચેત રહેવું : એસપી નિલેશ જાજડિયા
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલની લાલચ આપી આચરાયેલા ઠગાઇના ગુનામાં બે આરોપી છે. આ લોકો રૂ.3150 ભરાવીને કલબના સભ્ય બનાવી 400 ટકા વળતરની લાલચ આપતા હતા. આ કલબ બનાવનારનું એક પૈસાનું રોકાણ નથી અને તેમને કોઇ સ્થળે રોકાણ પણ નથી કર્યુ. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ પ્રકારની એક ફરિયાદ દાખલ કરાઇ હતી. મારી જાણકારી મુજબ રાજ્યમાં પોલીસે આ પ્રકારે પહેલી વખત કાર્યવાહી કરી છે. 12.5 ટકાથી વધુ વળતરની વાત આવે ત્યારે લોકોએ સચેત રહેવાની જરૂર છે.

ઓછું ભણેલા ભાઇલાલ પટેલના નામે હાર્દિકે કાળો કારોબાર શરૂ કર્યો
ઠગાઇના આ મામલામાં હાર્દિક માસ્ટર માઇન્ડ છે. પરંતુ તેણે માત્ર ધોરણ 3 સુધી ભણેલા ભાઇલાલભાઇના નામે કંપની ઉભી કરી સંચાલક બનાવી તેમના નામે તમામ આર્થિક વ્યવહાર કરતો હતો. હાર્દિકનો માત્ર કંપનીનો મેનેજર બની છટકી જવા બનાવેલો પ્લાન પોલીસે ઉંધો પાડયો હતો.

ગ્રાહકો બનાવનારા એજન્ટોને સ્કીમો પ્રમાણે ઇન્સેન્ટીવ પણ આપતા હતા
બંને ઠગોએ ગ્રાહકો ઊભા કરવા એજન્ટો બનાવ્યા હતા. જેમને ગ્રાહક દીઠ રૂ.50 અને 41થી 50 ગ્રાહક પર ગ્રાહક દીઠ રૂ.60 તથા 60 ઉપરાંતના ગ્રાહક બનાવવા ઉપર ગ્રાહક દીઠ રૂ.200 ઇન્સેન્ટીવ ચૂકવાતું હતું. વધુ ગ્રાહકોને છેતરવા ઇન્સેન્ટીવના પેમ્ફલેટ છપાવી પિરામિડ ટાઇપની સરક્યુલેશન સ્કીમ ઉભી કરી હતી.

વાયરલ થયેલી જાહેરાતે ભાંડો ફોડ્યો
પબ્લીક ઓટો ક્લબના નામે બનાવેલી વેબસાઇટથી વાયરલ થયેલી જાહેરાતમાં કંપની દ્વારા માત્ર રૂ.3150 ભરી રોજ રૂ.50નું તેમજ મહિને રૂ.એક હજારનું તથા 12 મહિને રૂ.12 હજારનું પેટ્રોલ, ડીઝલ કે ગેસ ફ્રી..ફ્રી…ફ્રીનો ઉલ્લેખ કરેલો જોઇ જિલ્લા પોલીસવડાએ સોંપેલી તપાસમાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here